કોસ્ટલ રોડ પરથી ૧૬ દિવસમાં પ્રવાસ કર્યો ૨,૨૫,૫૫૭ વાહનોએ

01 April, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટલ રોડ પર ૧૨ માર્ચથી ૨૭ માર્ચ સુધીના સમયગાળામાં આશરે ૨,૨૫,૫૫૭ વાહનોએ પ્રવાસ કર્યો હતો.

કોસ્ટલ રોડ

મુંબઈમાં દરિયાની નીચે તૈયાર થયેલી ટનલમાંથી પ્રવાસ કરવાનો અનુભવ લેવા માટે લાખો મુંબઈગરાઓએ ૧૨ માર્ચે ટ્રાફિક માટે આંશિક રીતે ખુલ્લા મૂકવામાં આવેલા કોસ્ટલ રોડ પર પસંદગી ઉતારી છે.

થડાની જંક્શન, વરલીથી મરીન ડ્રાઇવ સુધીના આ કોસ્ટલ રોડ પર ૧૨ માર્ચથી ૨૭ માર્ચ સુધીના સમયગાળામાં આશરે ૨,૨૫,૫૫૭ વાહનોએ પ્રવાસ કર્યો હતો. સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૩થી ૪ વાગ્યા દરમ્યાન સૌથી વધારે વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે.

૨૦૧૮ના ઑક્ટોબર મહિનામાં એનું કામ શરૂ થયું હતું અને ૨૦૨૪ના અંત સુધીમાં કોસ્ટલ રોડને વરલી સી-લિન્ક સાથે કનેક્ટ કરવાની ધારણા છે. હાલમાં ૮૭ ટકા કામ પૂરું થયું છે.
કોસ્ટલ રોડ પર જવા માટે ટ્રાફિક થાય છે એટલે લોટસ જંક્શન સુધીના ૨.૫ કિલોમીટરના માર્ગને સવારે ૮થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોટસ જંક્શન અને અમરસન્સ ગાર્ડન એન્ટ્રી પોઇન્ટ સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા છે.

શનિવાર-રવિવારે ખુલ્લો મૂકવાની માગણી

કોસ્ટલ રોડ સોમવારથી શુક્રવાર સુધી સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લો રહે છે. શનિવાર અને રવિવારે એ ટ્રાફિક માટે બંધ રહે છે, પણ મુંબઈગરા હવે શનિવાર અને રવિવારે પણ એ ખુલ્લો રહે એવી માગણી કરી રહ્યા છે.

કયા સમયે, કેટલાં વાહનો થાય છે પસાર?
સમય    વાહનોની સંખ્યા
સવારે 8થી 9    12,252
સવારે 9થી 10    21,847
સવારે 10થી 11    25,370
સવારે 11થી 12    22,620
બપોરે 12થી1    20,910
બપોરે 1થી 2    16,836
બપોરે 2થી 3    18,648
બપોરે 3થી 4    21,364
બપોરે 4થી 5    18,894
સાંજે 5થી 6    16,984
સાંજે 6થી 7    15,087
સાંજે 7થી 8    14,746

mumbai news mumbai Mumbai Coastal Road atal setu marine drive mumbai traffic police