આર્મી ડે પરેડમાં બુધવારે પુણેમાં જલવો બતાવશે ભારતીય સેનાના રોબો ડૉગ્સ

13 January, 2025 10:12 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે 2025 મનાવવામાં આવશે અને આ વખતે ઇન્ડિયન આર્મીના સેના દિવસની પરેડમાં રોબોટિક ડૉગ્સ પણ સામેલ હશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે

પ્રતીકાત્મક તસવીર

પુણેમાં ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે 2025 મનાવવામાં આવશે અને આ વખતે ઇન્ડિયન આર્મીના સેના દિવસની પરેડમાં રોબોટિક ડૉગ્સ પણ સામેલ હશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. એમને ક્વૉડ્રપીડલ અનમૅન્ડ ગ્રાઉન્ડ વેહિકલ (QUGV) કહેવામાં આવે છે અને એને ભવિષ્યની આર્મી ટેક્નૉલૉજી તરીકે પણ જોવામાં આવે છે. આ રોબો ડૉગ્સથી આગામી સમયમાં ભારતીય સેનાનાં ઘણાં કામ આસાન થઈ જવાનાં છે. સેનામાં આના ૧૦૦ યુનિટ સામેલ કરવામાં આવશે.

આ રોબોટિક ડૉગ્સ દરેક મોસમમાં કામ કરી શકે છે. દિલ્હીની આર્ક વેન્ચર નામની કંપનીએ એ તૈયાર કર્યા છે. એને મલ્ટિ-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ (MULE) પણ કહેવામાં આવે છે. આ રોબો ડૉગ્સ સુરક્ષાને લગતાં અનેક કામમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ટેલિ ઑપરેબલ છે અને એ સર્વેલન્સ, રેકી અને ઇન્ટેલિજન્સ એકઠાં કરવામાં પણ કામમાં આવી શકે એમ છે.

આ રોબો ડૉગ્સ ઊંચાઈ પર ચડી શકે છે, કોઈ પણ વિસ્તારમાં જઈ શકે છે. સીડીઓ ચડી શકે છે. એમાં કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે અને તેથી સામે આવેલી મુસીબતથી બચી પણ શકે છે. તેઓ ઑડિયો-વિઝ્યુઅલ પણ મેળવી શકે છે. ઓછા પ્રકાશ કે અંધારામાં પણ એ કામ કરવાને સક્ષમ છે.

pune indian army news mumbai news mumbai pune news