નાસતા ફરતા પ્રિન્સિપાલ અને ટીચર્સની આગોતરા જામીન માટે અરજી

11 February, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાની જાણ અન્ય વાલીઓને થતાં તેમણે સોમવારે મોટી સંખ્યામાં સ્કૂલ સામે દેખાવો કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-ઈસ્ટમાં ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવર પાસે આવેલી લિટલ કૅપ્ટન પ્રી-સ્કૂલમાં ગયા શુક્રવારે માત્ર ચાર વર્ષની બાળકી પર ત્યાં કામ કરતા વૉચમૅન-કમ-પ્યુને સેક્સ્યુઅલ અસૉલ્ટ કર્યો હતો. એ કેસમાં સોમવારે વાલીઓના ભારે દબાણ અને વિરોધ-પ્રદર્શન બાદ સમતાનગર પોલીસે પ્રિન્સિપાલ અને અન્ય બે શિક્ષકો સામે પણ ગુનો નોંધ્યો હતો. જોકે એ ત્રણેએ હવે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી છે. કાંદિવલી-ઈસ્ટની લિટલ કૅપ્ટન સ્કૂલમાં બનેલી એ હીચકારી ઘટનાના મુખ્ય આરોપી એવા વૉચમૅનને તો ઘટનાના બીજા જ દિવસે પોલીસે ઝડપી લીધો હતો. તેની કસ્ટડી પૂરી થતાં ફરી કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઘટનાના દિવસે તેણે અબુધ બાળકીને ચૉકલેટ આપવાની લાલચ આપી બાથરૂમમાં લઈ જઈ તેના પ્રાઇવેટ પાર્ટમાં આંગળીઓ ખોસી દીધી હતી.

આ ઘટનાની જાણ અન્ય વાલીઓને થતાં તેમણે સોમવારે મોટી સંખ્યામાં સ્કૂલ સામે દેખાવો કર્યા હતા. વાલીઓનું કહેવું હતું કે સ્કૂલનાં પ્રિન્સિપાલ અને અન્ય બે ટીચરને આ બાબતની જાણ થઈ ગઈ હતી અને તેમણે આરોપીને બાથરૂમમાં લૉક કરી દીધો હતો. બાળકીને પણ ફોસલાવીને આ ઘટનાની જાણ કોઈને ન કરવા કહ્યું હતું. આમ કરી તેમણે આ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો એથી તેમની સામે પણ ગુનો નોંધવામાં આવે. પોલીસે એ પછી સોમવારે મોડી રાતે પ્રિન્સિપાલ પ્રીતિ સેંગાર અને અન્ય બે ટીચરો સામે એ ગુનો છુપાવવાનો ગુનો નોંધ્યો હતો. સમતાનગર પોલીસનું કહેવું હતું કે ગુનો નોંધ્યા બાદ તેમણે આ ત્રણે આરોપીની શોધ ચલાવી હતી, પણ તે લોકો તેમના ઘરે મળી આવ્યાં નહોતાં. એટલું જ નહીં, તેમના મોબાઇલ ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવતા હોવાથી તેમનું લોકેશન ટ્રેસ નહોતું થઈ રહ્યું. હવે એ ત્રણે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે અને એ અરજી પર મંગળવાર, ૧૩ ફેબ્રુઆરીએ સુનાવણી રાખવામાં આવી છે એમ બાળકીના પરિવારની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું.  

mumbai news mumbai mumbai crime news kandivli