ઍપલે ભારતમાં શરૂ કર્યો પ્રથમ ઑફિશ્યલ સ્ટોર

06 April, 2023 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં આઇફોન ૧૪ મૉડલ્સ, આઇપૅડ, ઍરપૉડ્સ, ઍપલ વૉચિસ, ઍપલ ટીવી તથા હોમપૅડ સહિત અઢળક પ્રોડક્ટ્સ અને સર્વિસ મળશે

ઍપલ ઑફિશ્યલ સ્ટોર

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન માર્કેટમાં ઍપલે વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. ઍપલે ભારતમાં પ્રથમ ઑફિશ્યલ સ્ટોર શરૂ કર્યો છે. અત્યાર સુધી કંપનીના બ્રિક-ઍન્ડ-મૉર્ટર રીટેલ સ્ટોર રીસેલર પૂરતા મર્યાદિત હતા.

મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આ સ્ટોર ટૂંક સમયમાં ગ્રાહકો માટે શરૂ થશે. કંપનીએ જણાવ્યું હતું કે ‘મુંબઈની કાળી-પીળી ટૅક્સી આર્ટથી પ્રેરિત આ ડિઝાઇન્ડ સ્ટોરમાં ક્રીએટિવ ઍપલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ ઉપલબ્ધ રહેશે. અહીં આઇફોન ૧૪ મૉડલ્સ, આઇપૅડ, ઍરપૉડ્સ, ઍપલ વૉચિસ, ઍપલ ટીવી તથા હોમપૅડ સહિત અઢળક પ્રોડક્ટ્સ અને સર્વિસ ઉપલબ્ધ રહેશે. અહીં ઍપલના ટ્રેડ-ઇન પ્રોગ્રામ્સ પણ ગ્રાહકો ઍક્સેસ કરી શક્શે.’

ભારતમાં ઍપલ સ્ટોરનું લૉન્ચિંગ ઘણા અવરોધો અને ભારત સરકાર સાથેની વાટાઘાટો બાદ થયું છે. ઍપલે લોકલ સોર્સિંગ નિયમોનું પાલન કર્યું હતું, જે મુજબ વિદેશી કંપનીએ એનાં ઓછામાં ઓછાં ૩૦ ટકા સાધનો લોકલ સપ્લાયર્સ પાસેથી મેળવવાનાં રહે છે. ઍપલે અન્ય સ્માર્ટફોન બ્રૅન્ડ્સ સાથે પણ સ્પર્ધા કરી હતી જે ભારતમાં ઓછી કિંમતની પ્રોડક્ટ્સ સાથે મોટી માર્કેટ ધરાવે છે.

કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચ અનુસાર ૨૦૨૨માં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઍપલની ટકાવારી સૅમસંગ, શાઓમી, વિવો અને ઓપ્પો બાદ ચાર ટકાની હતી. જોકે ઍપલના આઇફોન ૧૨ અને આઇફોન ૧૩નાં મૉડલ્સની મજબૂત માગને કારણે એના શિપમેન્ટમાં વાર્ષિક ૩૫ ટકાની વૃદ્ધિ થઈ છે.

વિશ્લેષકોને અપેક્ષા છે કે ઍપલ સ્ટોર ભારતમાં શરૂ થવાથી ઍપલની બ્રૅન્ડ-ઇમેજ અને ગ્રાહકોની વફાદારી વધશે. એનાથી વધુ ડેવલપર્સ અને ક્રીએટર્સ આકર્ષાશે.

mumbai mumbai news apple bandra kurla