APMCની વર્ષો જૂની સંસ્થા ગ્રોમાના પ્રમુખ શરદ મારુનું અવસાન

10 June, 2024 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ કહ્યું કે ૨૮ વર્ષ સુધી સંસ્થાના પ્રમુખપદે રહેલા શરદભાઈની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય

શરદ દેવરાજ મારુ

નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના દાણાબંદરની વર્ષો જૂની સંસ્થા ગ્રોમા (GROMA-ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન)ના પ્રમુખ શરદ દેવરાજ મારુનું શનિવારે રાતે ઉંમરને લગતી બીમારીને કારણે ૭૮ વર્ષની વયે અવસાન થયું હતું. મૂળ કચ્છના હાલાપર ગામના કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના શરદભાઈ છેલ્લા થોડા વખતથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં પત્ની શોભનાબહેન તથા પુત્રો ચેતન અને નિરલનો સમાવેશ થાય છે. તેમના અવસાનની જાણ થતાં વેપારીઓ મોટી સંખ્યામાં તેમનાં અંતિમ દર્શન કરવા તેમના ઘાટકોપરના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ગઈ કાલે સવારે તેમના પાર્થિવ દેહના સોમૈયા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શરદભાઈના અવસાન નિમિત્તે APMC માર્કેટ આજે બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.  

ગ્રોમા તરફથી જણાવવામાં આવ્યા મુજબ શરદભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી ગ્રોમામાં કાર્યરત હતા. વકીલાતનું ભણેલા અને અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા શરદભાઈ દાણાબંદરની વર્ષો જૂની ઘઉં-ચોખાની પેઢી સફળતાપૂર્વક ચલાવતા હતા. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સમાજસેવા અને ગ્રોમાના સંસ્થા​કીય કામમાં જ અગ્રેસર રહ્યા હતા. મસ્જિદના દાણાબંદરથી વાશીમાં માર્કેટ ​​શિફ્ટ કરવામાં આવી ત્યારે પણ એમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સરકારી અધિકારીઓ સાથે કાયદાકીય ભાષામાં કુનેહપૂર્વક વાત કરીને કોઈ પણ સમસ્યાનું નિરાકારણ લાવવાની તેમનામાં આવડત હતી અને આમ તેમણે સંસ્થાના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. ૨૮ વર્ષ સુધી તેઓ ગ્રોમાના અધ્યક્ષપદે રહ્યા. 

mumbai news mumbai apmc market navi mumbai gujaratis of mumbai gujarati community news