17 September, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપમાં રહેતા અને નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં હોલસેલમાં ફ્રૂટનો વ્યવસાય કરતા ૩૫ વર્ષના રમાકાંત તિવારી સાથે સસ્તામાં ઈરાનથી સફરજન મગાવી ઊંચા ભાવે વેચવાના નામે ૫૯.૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ APMC પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. આબિદ મીર અને ફારવા રઝા નામના આરોપીઓએ બોગસ ફાઇટોસૅનિટરી પ્રમાણપત્ર રમાકાંતને આપીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ઈરાનથી બે કન્ટેનર સફરજન મગાવ્યાં છે જે મુંબઈ આવતાં ડબલ ભાવે વેચીશું એમ કહીને પૈસા લેવામાં આવ્યા હતા એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ના અંતમાં રમાકાંતની ઑફિસ પર બન્ને આરોપીઓ આવ્યા હતા. તેમણે પોતાનો ઈરાનમાં મોટો વ્યવસાય હોવાનું કહીને જો તમે પણ ઈરાનથી ડાયરેક્ટ સફરજન મગાવશો તો ડબલ ફાયદો થશે એમ કહ્યું હતું. એના પર વિશ્વાસ કરીને રમાકાંત પૈસા આપવા તૈયાર થયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે તેણે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૮૨ લાખ રૂપિયા સફરજન મગાવવા આપ્યા હતા. એમ છતાં કોઈ પ્રકારનો માલ રમાકાંતને મળ્યો હતો. અંતે તેણે આરોપી પાસે વધુ પૂછપરછ કરતાં આરોપીએ ૨૩ લાખ રૂપિયા પાછા આપી દીધા હતા અને બાકીના પૈસા પાછા આપ્યા નહોતા. અંતે તેમણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’