એપીએમસીની ચૂંટણીએ વધાર્યું બીજેપી-એકનાથ શિંદેનું ટેન્શન

30 April, 2023 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર બનાવ્યાને દસ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં મહા વિકાસ આઘાડીના પક્ષોએ ૭૧ માર્કેટનો કબજો કર્યો, જ્યારે બીજેપી-એકનાથ શિંદે યુતિને ૪૪ માર્કેટ મળી

એપીએમસીની ચૂંટણીએ વધાર્યું બીજેપી-એકનાથ શિંદેનું ટેન્શન


મુંબઈ ઃ એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ બળવો કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ મહાવિકાસ આઘાડી સરકારનું ગયા વર્ષે જૂન મહિનામાં પતન થયું હતું. બાદમાં ૩૦ જૂને એકનાથ શિંદેએ બીજેપી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી. શિવસેનાના પંચાવનમાંથી ૪૦ વિધાનસભ્યો અને ૧૮માંથી ૧૩ સાંસદ પોતાના પક્ષે કરી લીધા બાદ એકનાથ શિંદે જૂથની તાકાત વધી હતી અને કેન્દ્રીય ચૂંટણી પંચે આ જૂથને ખરી શિવસેના માનીને એને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ ફાળવ્યું હતું. શિવસેના એકનાથ શિંદેના હાથમાં આવ્યા બાદ લાગતું હતું કે રાજ્યમાં તેમને હવે લોકો સ્વીકારશે. જોકે રાજ્યની ૧૪૭ એપીએમસીની ચૂંટણીના રિઝલ્ટ પરથી જણાઈ આવે છે કે હજી પણ એકનાથ શિંદેને લોકોએ સ્વીકાર્યા નથી. ગઈ કાલે જાહેર થયેલાં ૧૪૭ પરિણામોમાંથી મહાવિકાસ આઘાડીને ૮૧ અને બીજેપી-એકનાથ શિંદેની મહાયુતિને ૪૮ એપીએમસીમાં વિજય મળ્યો હતો. એમાં પણ ખાસ વાત એ છે કે એકનાથ શિંદેના પક્ષને સાત તો ઉદ્ધવ ઠાકરે જૂથને દસ માર્કેટ મેળવવામાં સફળતા મળી હતી. બીજેપીનો દેખાવ સારો રહ્યો છે, પણ એકનાથ શિંદેને સફળતા નથી મળી એટલે બીજેપી માટે ચિંતાનો વિષય બની શકે છે.
એપીએમસી માર્કેટની ચૂંટણીમાં સામાન્ય જનતા મતદાન નથી કરતી, પણ મહારાષ્ટ્રમાં ખેડૂતોની દૃષ્ટિએ એપીએમસી માર્કેટની સમિતિઓનું ખૂબ મહત્ત્વ છે. વિવિધ રાજકીય પક્ષો આ સમિતિઓના માધ્યમથી પોતાના પક્ષના સંગઠનને વધારવા માટેના પ્રયાસ કરે છે. આથી જનતા મતદાન ન કરતી હોવા છતાં એપીએમસીની સમિતિઓની ચૂંટણી ખૂબ મહત્ત્વની ગણાય છે. ગ્રામીણ ભાગમાં એપીએમસી માર્કેટની સમિતિના માધ્યમથી જનતાનો સહયોગ મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. એપીએમસીના માધ્યમથી ખેડૂતો જ નહીં, અન્ય સમાજને જોડવાનું કામ પણ થાય છે. રાજ્યમાં અત્યારે ભલે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર હોય, પણ હજીયે આ સમિતિઓમાં એનસીપી અને કૉન્ગ્રેસની મજબૂત પકડ છે. આ પકડ જ બીજેપી માટે ચિંતાનો વિષય છે.
મહા વિકાસ આઘાડી હજી ભારી
રાજ્યમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર હોવા છતાં એપીએમસીની ચૂંટણીમાં તેઓ ધાર્યું કરાવી શક્યા નથી. એનસીપી, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથની મહાવિકાસ આઘાડીએ ૧૪૭માંથી ૮૧ સમિતિ કબજે કરી છે, જ્યારે બીજેપી-એકનાથ શિંદેની મહાયુતિને ૪૮ સમિતિથી જ સંતોષ માનવો પડ્યો છે. એનસીપીએ ૩૮ અને કૉન્ગ્રેસે ૩૨ તેમ જ ઉદ્ધવ ઠાકરે જૂથે ૧૧ એપીએમસી સમિતિમાં વિજય મેળવ્યો છે. બીજેપી ૩૯ સમિતિ સાથે નંબર વન રહી છે, પણ સાથી એકનાથ શિંદે માત્ર ૮ સમિતિ સુધી જ સીમિત રહ્યા છે. આ રિઝલ્ટ પરથી જણાઈ આવે છે કે વિરોધ પક્ષમાં હોવા છતાં મહાવિકાસ આઘાડી બીજેપી-શિંદેની યુતિ પર ભારે પડી રહી છે.
એકનાથ શિંદે નબળી કડી?
મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં એનસીપી અને કૉન્ગ્રેસનું વર્ચસ કાયમ છે. અહીં મરાઠાઓના ૩૫ ટકા જેટલા મત છે. આ મત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બીજેપીનો સાથ હોવા છતાં હજી સુધી મેળવી નથી શક્યા. રાજકીય નિષ્ણાતોના મતે આ જ કારણસર બીજેપી મરાઠા નેતા અજિત પવારને પોતાના પક્ષે કરીને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવાના પ્રયાસ કરી રહી છે. શિવસેના પક્ષનું સંગઠન ભાવનાત્મક છે. હજી પણ મોટા ભાગના શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરેને બદલે એકનાથ શિંદેને પોતાના નેતા સ્વીકારી શક્યા નથી. ખૂબ મહત્ત્વની ગણાતી એપીએમસી સમિતિની ચૂંટણીનાં પરિણામો બીજેપીની ચિંતા વધારનારાં છે.

mumbai news maharashtra eknath shinde uddhav thackeray