21 August, 2024 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિ (MRKS) હેઠળનાં વિવિધ વેપારી સંગઠનોની એક બેઠક ૪ ઑગસ્ટે પુણેમાં યોજાઈ હતી જેમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ફરીને વેપારીઓનો સંપર્ક કરી તેમને આ બંધ માટેના આયોજનમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રયાસને ચાલુ રાખીને ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં વેપારીઓને પડતી તકલીફ વિશે ચર્ચા કરવા માટે ૧૬ ઑગસ્ટે સાંગલી, ૧૭ ઑગસ્ટે કરાડ અને ૧૮ ઑગસ્ટે સોલાપુરમાં બેઠક યોજાઈ હતી.
ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM - ફામ)ના પ્રમુખ જિતેન્દ્ર શાહ, ફામના ડિરેક્ટર જનરલ પ્રીતેશ શાહ, ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA-ગ્રોમા)ના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલી, MCCAIના લલિત ગાંધી, MRKSના કન્વીનર અને PMC IPPના રાજકુમાર નાહર, સોલાપુરથી સુરેશ ચીખલી, સોલાપુરના રાજેન્દ્ર રાઠી, સાંગલી ચેમ્બર ઑફ કૉમર્સ, શરદ શાહ સહિત અગ્રણી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ ત્રણેય શહેરોની આસપાસના તમામ પદાધિકારીઓ અને મુખ્ય વેપારી સંસ્થાઓના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મીટિંગ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે...
- APMC માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ.
- APMC વિસ્તારોમાં વેપાર વ્યવહારો પર ૧ ટકો APMC સર્વિસ-ચાર્જ નાબૂદ થવો જોઈએ, કારણ કે આ ચાર્જ વેપારીઓ વચ્ચે અથવા આયાતકારો સાથેના વ્યવહારો પર પણ વસૂલવામાં આવે છે.
- GST કાયદામાં વિસંગતતાઓ વેપારને અસર કરે છે.
- ઑનલાઇન બિઝનેસમાં મુશ્કેલીઓ.
- સાઇબર ગુનાઓ વધી રહ્યા છે.
- કાનૂની મેટ્રોલૉજી સંબંધિત મુદ્દાઓ.
સરકાર અને અધિકારીઓ સાથે અનેક રજૂઆતો અને બેઠકો કર્યા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી, જેને કારણે વેપારી સમુદાયમાં નિરાશા વધી રહી છે. એથી જો સરકાર સકારાત્મક પ્રતિસાદ નહીં આપે તો આવતી ૨૭ ઑગસ્ટે રાજ્યભરમાં એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાળને દેશભરનાં મોટાં ટ્રેડ યુનિયનો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલી અને ફામના પ્રમુખ જિતેન્દ્ર શાહે જણાવ્યું છે કે જો સરકાર યોગ્ય જવાબ નહીં આપે તો ૨૭ ઑગસ્ટે યોજાનારી એક દિવસની પ્રતીક હડતાળ બાદ એ જ દિવસે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.