18 October, 2023 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ઍન્ટિલિયાની પાસે સ્કૉર્પિયોમાં હથિયારો મળી આવ્યાં હતાં
મુંબઈ : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ઍન્ટિલિયાની પાસે સ્કૉર્પિયોમાં હથિયારો મળી આવ્યાં હતાં એ કેસ અને એને લાગીને જ મનસુખ હિરણ મર્ડર કેસના આરોપી અને બુકી નરેશ ગોરે તેને કેસમાંથી પડતો મૂકવામાં આવે એ માટે કરેલી અરજી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ એ. એમ. પાટીલે ફગાવી દીધી હતી.
નરેશ ગોર દ્વારા કરાયેલી અરજી સંદર્ભે જણાવતાં તેને વકીલ અનિકેત નિકમે દાવો કરતાં કહ્યું હતું કે ‘ફરિયાદી પક્ષ તેના અસીલ નરેશ ગોરનો આ કેસમાં શું હેતુ હતો એ જ કહી શક્યો ન હોવાથી તેને કેસમાંથી પડતો મૂકવો જોઈએ. તેઓ માત્ર એટલું જ કહી શક્યા છે કે આ કેસના મુખ્ય આરોપી સચિન વઝે માટે તેણે સિમ કાર્ડ મેળવીને એ ઍક્ટિવેટ કર્યું હતું. વળી એ વખતે સચિન વઝે મુંબઈ પોલીસમાં ફરજ બજાવી રહ્યો હતો. સચિન વઝેના કહેવાથી તેણે આ કર્યું હોવાની પૂરી શક્યતા છે એટલે તેને એ માટે દોષી ન ઠેરવી શકાય. કોર્ટે નરેશ ગોર એ કાવતરાથી અજાણ હોઈ શકે એવી શક્યતા જોતાં ૨૦૨૧માં તેના જામીન મંજૂર કર્યા હતા.’
આ કેસમાં સચિન વઝે અને નરેશ ગોર ઉપરાંત પ્રદીપ શર્મા, વિનાયક શિંદે, રિયાઝુદ્દીન કાઝી અને સુનીલ માને સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.