16 December, 2022 10:08 AM IST | Mumbai | Rohit Parikh
મહાતીર્થનું બોર્ડ તોડી રહેલાં અસામાજિક તત્ત્વો
ભાવનગર પાસે આવેલા જૈનોના શ્રી શત્રુંજય મહાતીર્થમાં ગઈ કાલે બપોરે અમુક અસામાજિક તત્ત્વો દ્વારા શત્રુંજય પર્વત પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને આ તીર્થનું સંચાલન સંભાળી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી નાખતાં જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે. હજી થોડા દિવસ પહેલાં જ શ્રી રોહીશાળા તીર્થમાં જૈનોના તીર્થંકર આદિનાથ દાદાનાં પગલાં તોડી પાડવામાં આવ્યાં હતાં. જૈનોના તીર્થ પર અવારનવાર થતા હુમલાઓ અને તોડફોડ સામે વિરોધ વ્યક્ત કરવા અને લડત આપવા માટેની રણનીતિ કરવા માટે આજે અમદાવાદમાં પાલડીમાં આવેલા શ્રી ઓપેરા સંઘમાં રાતના ૮.૩૦ વાગ્યે જૈન સમાજોની એક અર્જન્ટ અને મહત્ત્વની મીટિંગ બોલાવવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી પાલિતાણાના શત્રુંજય પર્વત પર શરણાનંદબાપુ, મના ભરવાડ, ભરત રાઠોડ જેવા કેટલાક મુઠ્ઠીભર લોકો દ્વારા સામાજિક વૈમનસ્ય વધે એ પ્રકારનાં નિવેદનો અને પ્રવૃત્તિ જાહેરમાં કરવામાં આવે છે. જોકે આ મુદ્દે જૈનો ગુજરાત હાઈ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છે. આ બંને કોર્ટે શત્રુંજય તીર્થ પર જૈનોનો અધિકાર હોવાનો આદેશ આપ્યો છે. આમ છતાં મના ભરવાડ કોર્ટના આદેશને ઘોળીને પી ગયા છે અને વારતહેવારે પાલિતાણામાં આવેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે વિવાદો કરીને શત્રુંજય તીર્થ પર હુમલા કર્યા કરે છે. શરણાનંદબાપુ, મના ભરવાડ, ભરત રાઠોડ જેવા મુઠ્ઠીભર લોકો દ્વારા સામાજિક વૈમનસ્ય વધે એ પ્રકારનાં નિવેદનો અને પ્રવૃત્તિ જાહેરમાં કરવામાં આવે છે.
ગઈ કાલે બપોર ત્રણ વાગ્યે મના ભરવાડ અને તેના સાગરીતો સાથે છથી સાત અસામાજિક તત્ત્વોએ આવીને શ્રી શત્રુંજય મહાતીર્થની ઑફિસમાં બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તેમણે સૂરજકુંડ પાસે જઈને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લગાવવામાં આવેલાં બોર્ડ તોડી પાડ્યાં હતાં તેમ જ ત્યાં સીસીટીવી કૅમેરા માટે લગાવેલા થાંભલાઓ પણ તોડી નાખ્યા હતા. આ વાત જૈન સમાજમાં પ્રસરતાં સમગ્ર ભારતના જૈન સમાજમાં ઊહાપોહ મચી ગયો હતો.
આ પહેલાં ૨૬ નવેમ્બરે રોહીશાળા તીર્થમાં શ્રી આદિનાથ પ્રભુનાં પ્રાચીન પગલાંઓ કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યાં હતાં. આની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસે આજ સુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરી નથી. એને પરિણામે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ ગઢની અંદર સુરક્ષાનાં પગલાંરૂપે સીસીટીવી કૅમેરા લગાડી દીધા હતા.
આ બાબતની માહિતી આપતાં સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પછી પણ મનુ ભરવાડ અને તેના સાથીદારો શત્રુંજય તીર્થમાં વાતાવરણ દૂષિત કરી રહ્યા છે. એને પરિણામે જૈન સમાજમાં અને શત્રુંજય તીર્થમાં આવતા યાત્રાળુઓમાં ભયભીત વાતાવરણ બની ગયું છે. આ સંદર્ભની ફરિયાદ સંબંધિત કલેક્ટર, આઇજી, એસીપી, પાલિતાણા ટાઉનના પીઆઇ વગેરેને કરવામાં આવી છે. ગુજરાત સરકાર સામે પણ આ બાબતની અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ પણ પ્રકારનાં નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.’
ગઈ કાલે ફરી તીર્થ પર થયેલા હુમલાને પગલે સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના સેક્રેટરી પ્રણવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવાં મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોને કારણે સમગ્ર વિશ્વના જૈનો અત્યંત ચિંતિત છે. વારંવાર થઈ રહેલા હુમલાનો પ્રતિકાર કરવા અને એની સામે લડત આપવા માટેની રણનીતિ કરવા માટે અમે આજે અમદાવાદના તમામ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોની એક ઇમર્જન્સી મીટિંગ પાલડીના ઓપેરા જૈન સંઘમાં રાતના ૮.૩૦ વાગ્યે બોલાવી છે. આ મીટિંગમાં અમદાવાદનાં યુવક મંડળો પણ વિશેષરૂપે જોડાશે અને આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન, રૅલી વગેરે દ્વારા સરકાર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરશે. આવાં અસામાજિક તત્ત્વોને તાત્કાલિક ડામીને શાંતિ સ્થપાય એવાં પગલાં લેવા માટે સરકારને ખાસ આગ્રહ કરવામાં આવશે. વિશ્વભરમાં ગુજરાત સરકારની છબિ ખરડાય નહીં એવું યોગ્ય કરવાની સરકારની જવાબદારી છે.’