24 March, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબર અને દિગંબર જૈન સમુદાયો વચ્ચે સોમવારે સમાધાન થઈ જતાં ગઈ કાલે સવારના શુભ મુહૂર્તથી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર લેપની પ્રક્રિયા એટલે કે પ્લાસ્ટરની શરૂઆત થઈ ગઈ હતી. આ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે. હવે ફરીથી કોઈ વિઘ્નો ન આવે તો આ પ્રક્રિયા વધુમાં વધુ બે મહિનામાં પૂરી જઈ જશે અને જૈન સમુદાયો તેમની પરંપરા પ્રમાણે બે મહિના પછી પૂજા-સેવા શરૂ કરી શકશે.
૨૨ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશ પછી શનિવાર, ૧૧ માર્ચે જૈનોના અંતરીક્ષજી તીર્થના અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનના ૪૨ વર્ષથી બંધ પડેલા દરવાજા ખૂલી ગયા હતા. એના પર બે સમુદાયો વચ્ચે વિવાદને કારણે ૪૨ વર્ષથી સરકારી તાળાં લાગેલાં હતાં એ દૂર થતાં કોર્ટના આદેશ પ્રમાણે શ્વેતાંબર સમુદાય દ્વારા જીર્ણ થયેલા ભગવાનની મૂર્તિ પર લેપ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે દિગંબર સમુદાયને લેપની કરવામાં શ્વેતાંબરો મૂર્તિના દેખાવમાં ફેરફાર કરી નાખશે એવો ભય દેખાતાં તેમણે ભગવાનનો લેપ ખુલ્લા દરવાજા સાથે કરવાની માગણી કરીને વિવાદ સરજ્યો હતો જે હિંસક બની ગયો હતો.
જોકે સોમવાર, ૨૦ માર્ચે બંને સમુદાયના સાધુ-સંતો અને અગ્રણીઓ દ્વારા સાથે બેસીને આ વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો. આ માહિતી આપતાં મુંબઈ સમગ્ર જૈન સંઘ સંગઠનના અધ્યક્ષ નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિવાદનો અંત લાવવામાં મુંબઈ સંગઠને બહુ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેઓ દિલ્હીથી અંતરીક્ષજી જૈનોનાં દેશભરનાં તીર્થોનું સંચાલન કરી રહેલી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી અને સિનિયર ઍડ્વોકેટો સાથે સંકલન કરીને આખા વિવાદનો અંત લાવ્યા હતા.’
નીતિન વોરાએ વધુમાં કહ્યું હતું કે ‘ગુરુવાર, ૧૬ માર્ચે શ્વેતાંબરોએ વિવાદની વચ્ચે લેપની પ્રક્રિયા પહેલાં દેરાસર અને ભગવાનની મૂર્તિના શુદ્ધીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યાર બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. જોકે સોમવાર, ૨૦ માર્ચે બપોર પછી બંને સમુદાયના સાધુ-સંતો અને અગ્રણીઓએ એકબીજાને વિશ્વાસ આપ્યો હતો કે કોર્ટના આદેશ પ્રમાણે લેપ દરમિયાન મૂર્તિના દેખાવમાં કે કૅરૅક્ટરમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં તેમ જ ભગવાનનાં દર્શન માટે દેરાસરના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. દર્શન દરમિયાન લેપની પ્રક્રિયામાં વિક્ષેપ ન પડે એ માટે બંને સમુદાય તરફથી સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.’