23 December, 2022 11:50 AM IST | Mumbai | Mehul Jethva
ડૉગીને મારવામાં આવ્યો એ પછી એની આવી હાલત થઈ હતી
મુંબઈમાં પ્રાણીઓની રક્ષા માટે મોટા પ્રમાણમાં ઍનિમલ ઍક્ટિવિસ્ટો દિવસે-દિવસે સામે આવી રહ્યા છે ત્યારે બોરીવલીમાં રખડતા કૂતરાને ભાઈ મારતો હોવાનું જોઈને તેની વિરુદ્ધમાં તેની જ બહેને એમએચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એ પછી એમએચબી પોલીસે ભાઈની ધરપકડ કરીને તેના પર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. માર મારવાને લીધે જખમી થયેલા ડૉગીનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
બોરીવલી-વેસ્ટના ફડકે બ્રિજ નજીક રહેતી નમ્રતા દૂબળાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૧ ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે તેણે ઘર નજીક તેના ભાઈ તેજસને શેરીમાં રખડતા ડૉગીને મારતો જોયો હતો. તેજસ તેના અન્ય બે મિત્રો સાથે ડૉગીને મારી રહ્યો હતો એટલે તરત નમ્રતા તેની પાસે ગઈ હતી અને ડૉગીને મારવાનું કારણ પૂછ્યું હતું. તેજસે કહ્યું હતું કે એ મારા છોકરાને કરડ્યો છે એટલે હું એને મારી રહ્યો છું. આથી બહેને ભાઈ વિરુદ્ધ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે તરત ડૉગીને તુર્ભેની ઍનિમલ હૉસ્પિટલમાં ઇલાજ માટે મોકલી આપ્યો હતો અને એને મારનાર સામે ફરિયાદ નોંધી હતી.
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ ડૉગીને ક્રૂરતાથી માર માર્યો હતો, જેને કારણે એના માથામાં માર લાગ્યો હતો. આગળ જતાં જો ડૉગીનું મૃત્યુ થશે તો અમે લીધેલી ફરિયાદમાં ફેરફાર કરીશું.’
સજાની શું જોગવાઈ છે?
પ્રાણીઓને મારવા બદલ પોલીસ કલમ ૪૨૮ હેઠળ ફરિયાદ નોંધતી હોય છે. ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૮ મુજબ જે કોઈ વ્યક્તિ પ્રાણીને મારે, ઝેર આપે, જેના કારણે પ્રાણી અપંગ થઈ શકે તો તેને બે વર્ષની સજા અથવા દંડ થઈ શકે છે. કોર્ટના નિર્ણય પ્રમાણે તેને બન્ને સજા પણ થઈ શકે છે.