ડ્રાઇવર બન્યો ખબરી

21 March, 2024 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પર આંગડિયાની કાર અટકાવીને પાંચ કરોડ રૂપિયાની લૂંટ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર આ ​વિસ્તારમાં લૂંટ થઈ હતી

નકલી આઇડેન્ટિટી કાર્ડ સાથે નકલી પોલીસ બનીને પાંચ જણે મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી પસાર થતા આંગડિયાઓને અટકાવીને તેમની પાસેથી સાડાપાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ-૩ની ટીમે આંગડિયાના ડ્રાઇવર સહિત ત્રણ જણની અટકાયત કરી છે. તપાસમાં પોલીસને જણાયું હતું કે આંગડિયાનો ડ્રાઇવર જ લૂંટ માટે માહિતી પૂરી પાડી રહ્યો હતો.

સાઉથ મુંબઈમાં કાલબાદેવીમાં રહેતા ૨૪ વર્ષના શ્રવણ ઠાકુર અને અક્ષય ઠાકુર આંગડિયાના ડ્રાઇવર બાબુ સ્વામી સાથે ફોર-વ્હીલરમાં ગુજરાત જવા નીકળ્યા હતા. સોમવારે રાતે લગભગ નવ વાગ્યાની આસપાસ ડ્રાઇવરે કહ્યું કે તેને ઊંઘ આવી રહી છે. એટલે તેણે વિરારના ખાનિવડે ટોલનાકા પાસે મોઢું ધોવાના બહાને કાર રોકી રાખી હતી. દરમિયાન તેમની પાછળ આવેલા એક વાહનમાંથી પાંચ લોકો ઊતર્યા હતા. તેમણે પોલીસ તરીકે પોતાની ઓળખ આપીને આઇડેન્ટિટી કાર્ડ પણ દેખાડ્યાં હતાં. તે લોકોએ તેમની અને વાહનમાં રહેલી રોકડ વિશે પૂછપરછ કરી હતી. આ પછી તેઓ પોલીસની જેમ કડક કાર્યવાહી કરતા હોવાનું દેખાડી રહ્યા હતા. તેઓ આંગડિયાના ડ્રાઇવર બાબુ સ્વામી અને અક્ષય ઠાકુરને પોતાના વાહનમાં બેસાડીને આગળ લઈ ગયા હતા અને ફરિયાદી પાસેથી રોકડ રકમ ભરેલી બૅગ અને મોબાઇલ ફોન લઈ લીધાં હતાં. ત્યાર બાદ ડ્રાઇવર અને અક્ષય ઠાકુરને થોડે દૂર આગળ રસ્તા પર ઉતારી દીધા હતા. ત્યાર બાદ લૂંટ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદ નોંધાવતાં માંડવી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ હેઠળ ઢોંગ અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે ગંભીરતાથી તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચ-૩ની ટીમે આંગડિયાના ડ્રાઇવર બાબુ સ્વામી સહિત ત્રણ જણને તાબામાં લીધા છે.

આંગડિયાના ડ્રાઇવરે રોકડ રકમ સાથે હોવાની માહિતી આપી હોવાની શંકા છે. પ્લાન મુજબ ડ્રાઇવરે કાર રોકી અને નકલી પોલીસ આવીને રોકડ રકમ લૂંટી ગઈ હતી. પોલીસે તાબામાં લીધેલા ચારેય જણની પૂછપરછ શરૂ કરી હોવાથી જલદી જ કેસ ઉકેલાઈ જશે. : ક્રાઇમ બ્રાન્ચ-૩ના એક પોલીસ અધિકારી

mumbai police western express highway south mumbai Crime News mumbai crime news crime branch mumbai crime branch mumbai mumbai news