31 October, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો. રાજ્યભરમાંથી વિવિધ પક્ષો અને અપક્ષ તરીકે ૭૯૯૫ નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે કેટલાક નેતા ચૂંટણીપંચના સેન્ટરમાં સમયસર ન પહોંચી શકતાં ઉમેદવારી નોંધાવી ન શક્યા હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન અને હવે વંચિત બહુજન આઘાડીના નેતા અનીસ અહમદને નાગપુર સેન્ટ્રલ બેઠકની ટિકિટ આપવામાં આવી હતી. મંગળવારે અનીસ અહમદ પાર્ટીના નેતા અને કાર્યકરો સાથે રૅલી કાઢીને ઉમેદવારી ફૉર્મ ભરવા નીકળ્યા હતા. તેઓ વાજતેગાજતે ફૉર્મ ભરવાના સેન્ટરે પહોંચ્યા ત્યારે એ બંધ થઈ ગયું હતું. તેઓ બે મિનિટ મોડા પડતાં ઉમેદવારીનું ફૉર્મ નહોતા ભરી શક્યા. આવી જ રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કર્જત વિધાનસભાના ઉમેદવાર જે. પી. પાટીલને રૅલીને કારણે સેન્ટરમાં પહોંચવામાં બે મિનિટ મોડું થયું હતું એટલે તેઓ પણ ઉમેદવારી નોંધાવી નહોતા શક્યા.