14 March, 2024 01:47 PM IST | Mumbai | Priti Khuman Thakur
અંધેરીમાં રહેતા ગુજરાતી વેપારીએ કચ્છ એક્સપ્રેસમાં ચોરી કરીને ભાગી રહેલા ચોરને પકડી પાડ્યો હતો. ચોર પાસેથી બીજી ટ્રેનમાં પકડાયેલું મંગળસૂત્ર પણ મળી આવ્યું હતું.
મંગળવારે કચ્છ એક્સપ્રેસ મુંબઈ આવી રહી હતી એ વખતે સુરત આવ્યું ત્યારે એક ચોર કોઈની બૅગ ચોરીને ભાગી રહ્યો હતો ત્યારે અંધેરીમાં રહેતા ગુજરાતી વેપારીએ સતર્કતા દાખવીને ચોરની પાછળ ભાગીને તેને પકડી લીધો હતો. તેની પાસેથી બૅગની સાથે અન્ય પ્રવાસીઓની ચોરેલી વસ્તુઓ પણ મળી આવી હતી.
અંધેરીમાં સાકીનાકામાં રહેતા અને મરીન લાઇન્સમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા લેઉવા પટેલ સમાજના હીરજી ગામી (પટેલ)એ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે સામખિયારીમાં માતાજીનાં દર્શને ગયા હતા અને મંગળવારે મુંબઈ પાછા આવતી વખતે સવારે સાત વાગ્યે સુરત સ્ટેશન આવ્યું હતું. હું એસ-૬ કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો અને અમારા કોચના બધા જ પૅસેન્જરો મુંબઈ ઊતરવાના હતા. સુરત સ્ટેશન આવવાની દસેક મિનિટ પહેલાં હું વૉશરૂમ ગયો હતો અને પાછો આવીને મારી લોઅર બર્થની સીટ પર સૂઈ ગયો હતો. સુરત સ્ટેશન આવ્યું ત્યારે ખભે નાખીએ એવી બૅગનો પટ્ટો મારા પગમાં વાગ્યો હતો. હું તો ઊંઘતો હતો, પણ તરત જ ધ્યાનમાં આવ્યું કે સુરત સ્ટેશને તો કોઈ ઊતરવાનું નહોતું અને બધા સૂતા હતા તો આ બૅગ લઈને કોણ ઊતરી રહ્યું છે. એટલે મેં ઊઠીને જોયું તો એક વ્યક્તિ બૅગ લઈને જઈ રહી હતી.’
મેં ભાગીને બૅગ ખેંચી હતી અને ચોરને પકડી લીધો હતો એમ જણાવતાં હીરજીભાઈએ કહ્યું હતું કે ‘ટ્રેન ચાલુ થઈ હોવાથી તે નીચે ઊતરવાની કોશિશ કરી રહ્યો હતો. તેને પકડી રાખીને મેં જોર-જોરથી બૂમ પાડી હોવાથી કોચના બધા પ્રવાસીઓ જાગી ગયા હતા. બધાએ તેને પકડીને સીટ પર બેસાડ્યો હતો. પહેલાં તો તે કંઈ બોલવા તૈયાર નહોતો, પરંતુ તેની તપાસ કરતાં એક બૅગ મળી જેમાં અમારા કોચના પ્રવાસીનું વૉલેટ, મોબાઇલ અને અન્ય મહત્ત્વની વસ્તુઓ હતી. વધુ તપાસ કરતાં તેના ખિસ્સામાં રહેલું ત્રણેક તોલાનું મહિલાનું સોનાનું મંગળસૂત્ર મળી આવ્યું હતું. બીજા કોચમાંથી આવેલા એક પ્રવાસીએ જોયું તો તેનાં ચોરાયેલાં ચંપલ પણ ચોરે પહેર્યાં હતાં. અમે એસ-૩ કોચ સુધી જઈને બધાને પૂછ્યું કે કોઈનું મંગળસૂત્ર ચોરાયું છે? અમે કડક રીતે ચોરને પૂછતાં તેણે એ મંગળસૂત્ર અવધ એક્સપ્રેસમાંથી ચોરી કરી હોવાનું કહ્યું હતું.’
ચોર પાસે રોકડ રકમ પણ હતી અને તેના પર્સમાં નેઇલકટર અને બ્લૅડ પણ હતાં એમ જણાવતાં હીરજીભાઈએ કહ્યું હતું કે ‘અમે ચોરને પોલીસને સોંપવા માટે સ્લીપર કોચથી લઈને એસી કોચ સુધી તપાસ કરી, પણ કોઈ પોલીસ કે ટીસી ન દેખાયો. ફોન કરતાં છેક વલસાડ આવ્યું ત્યારે પોલીસ ટ્રેનમાં આવી હતી. પોલીસ તેને પકડીને લઈ જતી હતી ત્યારે ચોરે અમને અસંખ્ય ગંદી ગાળો આપી હતી અને અપશબ્દો કહ્યા હતા. પોલીસને અમે કહ્યું કે આ તમારી સામે આ રીતે બોલે છે તો તેમણે કહ્યું કે આ લોકો દારૂ પીધેલા હોય છે અને આવા જ હોય છે. આવો જવાબ સાંભળતાં અમને પણ નવાઈ લાગી હતી.’