27 November, 2024 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિમાંશુ ગડા
અંધેરી-વેસ્ટમાં આઝાદનગર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ નજીક શિવાલય હાઇટ્સમાં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતા ૪૧ વર્ષના હિમાંશુ શામજી ગડા સોમવારે સાંજે દાદર-વેસ્ટમાં ગોખલે રોડ પરની અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટના આઠમા માળથી નીચે પટકાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. દાદર પોલીસે પ્રાથમિક માહિતીના આધારે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. હિમાંશુભાઈ સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બાંધવામાં આવી રહેલી હૉસ્પિટલનું ફર્નિચરનું કામ જોવા ગયા હતા ત્યારે ફોન પર વાત કરતી વખતે તેમનું બૅલૅન્સ જવાથી આ અકસ્માત થયો હોવાની માહિતી પોલીસે આપી છે.
નવી બંધાતી હૉસ્પિટલના આઠમા માળે વિન્ડોનું કામ જોતી વખતે હિમાંશુ ગડા નીચે પડ્યા હતા એમ જણાવતાં દાદર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અમોલ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ હિમાંશુ ગડા ગોખલે રોડ પર અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર ફર્નિચરનું માપ લેવા ગયા હતા ત્યારે આઠમા માળે જઈને માપ લેતી વખતે તેમનું બૅલૅન્સ જવાથી નીચે પટકાયા હતા. તાત્કાલિક તેમને સાયન હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઈ કાલે તેમની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ પછી તેમના પરિવારને સોંપવામાં આવી હતી. એક આઇ-વિટનેસના જણાવ્યા અનુસાર હિમાંશુ ગડા ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે વિન્ડોમાં માપ લેતી વખતે બૅલૅન્સ જવાથી નીચે પટકાયા હોવાની માહિતી અમને મળી છે. આ વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
ગઈ કાલે હિમાંશુભાઈના આંબોલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એમ જણાવતાં તેમના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મૂળ કચ્છના લાકડિયા ગામના હિમાંશુ ગડા પત્ની અને બે પુત્રો સહિતના પરિવાર સાથે અંધેરીમાં રહેતા હતા.