Andheri Gokhale Bridge: સંપૂર્ણ ગોખલે બ્રિજ ખૂલવાનું મુહૂર્ત 2025માં જ આવશે? કોન્ટ્રેક્ટરો સામે લાલઘૂમ તંત્ર

15 May, 2024 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Andheri Gokhale Bridge: સંપૂર્ણ કામ હવે 15 નવેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. અને બ્રિજ 31 માર્ચ, 2025 સુધીમાં ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે કાર્યરત થશે.

ગોખલે બ્રિજની ફાઇલ તસવીર

મુંબઈકરોને માટે ગોખલે બ્રિજ (Andheri Gokhale Bridge)ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને 13મી મેના દિવસે અંધેરીનાં ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ પર કામ માટે સાડા પાંચ મહિનાના વિસ્તરણ માટે કોન્ટ્રાક્ટરની વિનંતીને મંજૂરી આપી હતી. 

તમને જણાવી દઈએ કે અત્યારે ગોખલે બ્રિજના દક્ષિણ ભાગનું કામ ચાલી રહ્યું છે. આ કામ હવે 15 નવેમ્બર સુધી પૂર્ણ થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ગોખલે બ્રિજ 31 માર્ચ, 2025 સુધીમાં ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે કાર્યરત થશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

નવેમ્બર 2022થી ગોખલે બ્રિજ (Andheri Gokhale Bridge) સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવાયો હતો. પૂર્વ-પશ્ચિમ લિંક બંધ થવાથી અંધેરીમાં મુસાફરોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, થોડીક રાહત મળે એના ભાગરૂપે 15 મહિના બાદ પુલનો ઉત્તરીય ભાગ ખોલવામાં આવ્યો હતો. પણ ગોખલે અને સીડી બરફીવાલા ફ્લાયઓવર વચ્ચે લગભગ બે મીટરની ઊંચાઈએ મુસાફરોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. હવે આગામી મહિના સુધીમાં કામ પૂર્ણ થવાની શક્યતા છે.

બ્રિજનો નોર્થ ભાગ પણ બહુ જ મોડેથી શરૂ કરવામાં આવ્યો હતો 

તમને જણાવી દઈએ કે પુલ (Andheri Gokhale Bridge)નો ઉત્તરીય ભાગ આખરે 26 ફેબ્રુઆરીએ અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો. આ સાથે જ બ્રિજના બીજા ભાગ માટે ગર્ડર લોંચિંગનું કામ 31 મે સુધીમાં પૂર્ણ થઈ જશે એ વાત પર પણ હવે પાણી ફરી વળ્યું છે. કારણકે હરિયાણાના અંબાલાથી ગર્ડર વિભાગની ડિલિવરીને મોડું થયું છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજીત બાંગરે તાજેતરમાં જ સુધારેલા ગર્ડર લોંચના સમયપત્રકના વિસ્તરણને મંજૂરી આપી હતી. આ સાથે જ સ્થાનિક સત્તાવાળાઓએ વિલંબ માટે કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાસો માગ્યો છે.

વિલંબ થવાને કારણે કોન્ટ્રેક્ટર પાસે દંડ લેવાયો?

ગોખલે બ્રિજ (Andheri Gokhale Bridge) માટે જે વિલંબ થયો છે તે માટે હવે સિવિક બોડી લાલઘૂમ થઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કોન્ટ્રાક્ટરને 3 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે એવું કહેવાઈ રહ્યું છે કે જે સ્ટીલના પાર્ટસ મંગાવાયા છે તે એકવાર મુંબઈ પહોંચી જાય બાદ નવેમ્બરમાં ગર્ડરનું ફેબ્રિકેટેડ અને લોન્ચ કરવામાં આવશે. હજી રોડ અને અન્ય કામોમાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. 

આ પહેલા જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો તે પ્લાન મુજબ બરફીવાલા ફ્લાયઓવરના બે લેન સાથેનો આખો પુલ ડિસેમ્બર 2024 સુધીમાં કાર્યરત થઈ જશે એવું કહેવામાં આવ્યું હતું. આ બ્રિજનું લગભગ રૂ. 90 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તે 90-મીટર લાંબુ સ્ટ્રક્ચર છે.

mumbai news mumbai andheri mumbai traffic brihanmumbai municipal corporation