09 April, 2023 07:50 AM IST | Mumbai | Suraj Pandey
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ ઃ છેલ્લા ૭ દિવસમાં મુંબઈમાં કોવિડના કેસમાં વધારો નોંધાયો છે. એમાં પણ અંધેરી, બાંદરા અને ગ્રાન્ટ રોડમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એક અઠવાડિયામાં નોંધાયેલા કુલ ૧,૨૯૮ કેસમાંથી ૩૯ ટકા કેસ ઉપરોક્ત ચાર વૉર્ડના છે. હૉસ્પિટલમાં દાખલ કરાયેલા પેશન્ટ્સમાંથી ૫૦ ટકા પેશન્ટ્સ સેવન હિલ્સ હૉસ્પિટલમાં છે.
ફરી એક વાર મુંબઈગરાઓ કોવિડની ભીંસમાં આવી રહ્યા છે. ૩૧ જાન્યુઆરીએ શહેરના ૨૪ વૉર્ડમાંથી એક અઠવાડિયામાં માત્ર ૬ વૉર્ડમાં કોવિડના કેસ નોંધાયા હતા અને સમગ્ર મુંબઈમાં ૨૦ કરતાં પણ ઓછા કેસ નોંધાયા હતા. જોકે હવે સિનારિયો બદલાયો છે. મુંબઈમાં ગયા અઠવાડિયે ૨૦૦ કરતાં વધુ નવા કેસ નોંધાવા સાથે શહેરમાં કોવિડની હાજરીની નોંધ લેવાઈ છે.
પહેલી એપ્રિલથી સાતમી એપ્રિલ દરમ્યાન શહેરના ૨૪ વૉર્ડમાં ૧,૨૯૮ કેસ નોંધાયા હતા. આમાંથી કે-વેસ્ટ વૉર્ડ (અંધેરી-પશ્ચિમ)માં સૌથી વધુ ૨૦૮ કેસ, જ્યારે કે એચ-વેસ્ટ (બાંદરા)માં ૧૨૨, કે-ઈસ્ટ (અંધેરી-ઈસ્ટ)માં ૧૦૦ અને ‘ડી’ વૉર્ડ (ગ્રાન્ટ રોડ)માં ૯૧ કેસ નોંધાયા છે. આ ચાર વૉર્ડમાં મળીને સમગ્ર શહેરના કુલ કેસના ૩૯ ટકા કેસ નોંધાયા છે.
કે-વેસ્ટ વૉર્ડના એક અધિકારીએ ‘મિ-ડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડ પૉઝિટિવ જોવા મળતા મોટા ભાગના લોકો સર્જરી માટે જતાં પહેલાં આકસ્મિક રીતે પૉઝિટિવ આવતા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં વિદેશથી આવનારા કે વિદેશ જવા માગતા લોકો સાવચેતીના પગલારૂપે પરીક્ષણ કરાવતા હોય તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હજી સુધી વૉર્ડ વૉરરૂમમાં કોઈ પેશન્ટ દાખલ કરાયો નથી. ગણતરીના સ્થાનિક લોકોએ વાઇરસના સંક્રમણ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ હજી સુધી કોઈ ગંભીર કેસ સામે આવ્યો નથી.’
હાલના તબક્કે સૌથી વધુ ઍક્ટિવ કોવિડ પેશન્ટ્સ કે-વેસ્ટ વૉર્ડ (૨૧૯), એચ-વેસ્ટ (૧૨૮), કે-ઈસ્ટ (૧૦૫) અને ડી વૉર્ડ (૯૧)માં છે. નાગરિક આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર હાલમાં કુલ ૪,૩૫૬ બેડ છે, જેમાંથી માત્ર ૧૦૪ બેડ ભરેલા છે અને બાકીના ખાલી છે. મોટા ભાગના પેશન્ટ્સ સાધારણ લક્ષણો ધરાવતા હોવાથી ઘરે જ સારવાર કરીને સ્વસ્થ થઈ જાય છે. સેવન હિલ્સ હૉસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર મહારુદ્ર કુંભારે જણાવ્યું છે કે ‘અમારી હૉસ્પિટલમાં કુલ ૫૫ પેશન્ટ છે, જેમને સરકારી કે ખાનગી હૉસ્પિટલ દ્વારા હૉસ્પિટલમાં દાખલ થવા રિફર કરાયા છે અને ૧૩ પેશન્ટ આઇસીયુમાં દાખલ કરાયા છે. ૯૨ પેશન્ટ ઍસિમ્પ્ટોમૅટિક છે, જ્યારે ૧૦૦ સિમ્પ્ટોમૅટિક છે અને ૭ પેશન્ટ્સની સ્થિતિ ગંભીર છે.’