25 June, 2024 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીતા અંબાણીની તસવીરોનો કૉલાજ
દીકરા અનંત અંબાણીના લગ્નનની કંકોત્રી આપવા કાશી વિશ્વનાથ મંદિર પહોંચેલાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅર પર્સન નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરી. ત્યાર બાદ નીતા અંબાણી વારાણસીના કાશી ચાટ ભંડાર પહોંચ્યાં જ્યાં તેમણે ટોમેટો ચાટથી માંડીને આલુ ટિક્કી સુધીનો સ્વાદ માણ્યો, આની સાથે જ તેમણે કાશી વિશ્વનાથ કૉરિડોરની ભવ્યતા પર પણ આનંદ વ્યક્ત કર્યો.
દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ચૅરપર્સન નીતા અંબાણી પોતાના દીકરા અનંત અંબાણીનાં લગ્નની કંકોત્રી આપવા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યાં. અહીં પૂજા-પાઠ અને ભગવાન શિવને કાર્ડ આપ્યા બાદ નીતા અંબાણી વારાણસીના જાણીતા ચાટની દુકાને ગયાં. ત્યાં જ બેસીને વારાણસીની ટોમેટો ચાટ અને આલુ ટિક્કીનો સ્વાદ માણ્યો.
દીકરા અનંત અને વહુ રાધિકા મર્ચન્ટનાં લગ્ન માટે બાબા કાશી વિશ્વનાથ અને માતા ગંગાના આશીર્વાદ લેવા માટે સોમવારે નીતા અંબાણી વારાણસી ગયાં હતાં. ત્યાં કાશી વિશ્વનાથ ધામમાં દર્શન-પૂજન બાદ તે કાશી ચાટ ભંડાર પહોંચ્યાં. આ પહેલા નીતા અંબાણીએ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.
નીતા અંબાણીએ કહ્યું કે પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્નનું એક ફંક્શન કાશીમાં પણ ચોક્કસ કરવા માગી અને તેમની સાથે ચોક્કસ કાશી આવીશ. નીતા અંબાણીએ કહ્યું, "અમારા પરિવાર સહિત આખા દેશ પર મહાદેવના આશીર્વાદ સદા બની રહે." નીતા અંબાણીએ કહ્યું કે દીકરા અનંત અને રાધિકાનાં લગ્ન માટે આશીર્વાદ માગવા બાબા વિશ્વનાથના દરબારમાં આવી છું.
નીતા અંબાણી સાથે જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ હાજર હતા. મીડિયા સાથે વાત કરતા નીતા અંબાણીએ કહ્યું કે 10 વર્ષ પછી તે અહીં આવ્યાં છે. તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથ કૉરિડોરની ભવ્યતાને જોઈને તે ખૂબ જ ખુશ છે.
12 જુલાઈના હશે અનંતના લગ્ન
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનાં લગ્નની મુખ્ય વિધિ 12 જુલાઈ, શુક્રવારના રોજ થશે. મહેમાનોને લગ્નનાં કાર્યક્રમમાં પરંપરાગત ભારતીય પોશાક પહેરીને આવવાનું કહેવામાં આવ્યું છે. લગ્નનું રિસેપ્શન 14 જુલાઈ, રવિવારે યોજાશે. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. અહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા યુરોપમાં ભવ્ય ક્રૂઝ પર તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના બેસ્ટ લૂક સાથે રાધિકાની અનેક તસવીરો વાયરલ થઈ હતી.
આ વર્ષની શરૂઆતમાં, ગુજરાત-જામનગરમાં તેમનાં લગ્ન પહેલાનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના સ્ટાર્સે ભાગ લીધો હતો. બિઝનેસ લીડર્સ, રાજ્યના વડાઓ અને હોલીવુડ તેમજ બોલિવૂડ સેલિબ્રિટીઝે આ કાર્યક્રમમાં હાજરી આપી અને બન્નેને આશીર્વાદ આપ્યા.