27 June, 2024 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની કંકોતરી
એશિયાના સૌથી ધનિક એવા અંબાણી પરિવારના સૌથી નાના દીકરાનાં લગ્ન ૧૨ જુલાઈએ છે. એની કંકોતરી લોકોને આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કંકોતરીની ભવ્યતા આંખો આંજી નાખે એવી છે. લગ્નના આમંત્રણરૂપે જે કાર્ડ છે એ મોટા બૉક્સમાં છે. બૉક્સ ખોલતાં જ સંસ્કૃત મંત્રોચ્ચાર થવાના શરૂ થઈ જાય છે. અંદર બે ભાગ છે. ઉપરના ભાગમાં ચાંદીનું મંદિર છે અને અંદર વિષ્ણુ, ગણેશ, રાધા-કૃષ્ણ અને મા લક્ષ્મીની ગોલ્ડ-સિલ્વરની મૂર્તિ છે.
નીચેના ભાગમાં ડ્રૉઅર જેવું છે. એમાં કાર્ડની અંદર દરેક ફંક્શનની વિગતો લખેલી છે. ડ્રૉઅરમાં એક બૉક્સ છે. એની અંદર ગુલાબી અને ચાંદીના તારથી ભરેલા ગુલાબના ફૂલનો રૂમાલ છે. એની અંદર ચાંદીના તારથી અનંતનો ‘અ’ અને રાધિકાનો ‘ર’ ગૂંથવામાં આવ્યો છે.