13 November, 2024 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફેક વીઝા તૈયાર કરી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ન્યુ ઝીલૅન્ડ જવા માગતા આણંદના ૨૯ વર્ષના એન્જિનિયર જયેશ શાહની સોમવારે સાંજે સહાર પોલીસે ધરપકડ કરી હતી. કૅનેડાના
સ્ટુડન્ટ-વીઝા રિજેક્ટ થયા બાદ જયેશે અમદાવાદના એક એજન્ટની મદદથી મુંબઈથી હૉન્ગકૉન્ગ અને હૉન્ગકૉન્ગથી ન્યુ ઝીલૅન્ડ જવા માટેની ઍર-ટિકિટ કઢાવી હતી, એટલું જ નહીં, તેણે ન્યુ ઝીલૅન્ડના વીઝા ફોટોશૉપમાં એડિટ કરીને તૈયાર કર્યા હોવાનો આરોપ તેની સામે નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
બૅચલર ઑફ એન્જિનિયરિંગ (BE)ની ડિગ્રી ધરાવતો જયેશ ન્યુ ઝીલૅન્ડમાં સ્થાયી થવા માગતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે એમ કહેતાં સહારના પોલીસ-ઇન્સ્પેક્ટર બિપિન શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવાર સાંજે હૉન્ગકૉન્ગ જતી ફ્લાઇટ માટે બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે જયેશ ઇમિગ્રેશન વિભાગની તપાસમાં પકડાઈ ગયો હતો. ઇમિગ્રેશન ઑફિસર ભરત ચિંદગેને તેણે હૉન્ગકૉન્ગના વીઝા આપ્યા હતા, પણ તે હૉન્ગકૉન્ગ શા માટે જવા માગે છે એ તપાસવા માટે વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે હૉન્ગકૉન્ગથી ન્યુ ઝીલૅન્ડ જવાનો હતો. તેણે છુપાવેલી માહિતીથી ઇમિગ્રેશન વિભાગને વધુ શંકા ગઈ એટલે મોટા અધિકારીઓએ તેની સઘન પૂછપરછ કરી જેમાં ન્યુ ઝીલૅન્ડના વીઝા તેની પાસે મળ્યા હતા, પણ એમા શંકા જતાં એની વધુ તપાસ ન્યુ ઝીલૅન્ડથી કરાવવામાં આવતાં એ બનાવટી હોવાનું જણાયું હતું.’
ફોટોશૉપમાં એડિટ કરી વીઝા તૈયાર કર્યા હોવાની કબૂલાત જયેશે કરી લીધી હતી એમ જણાવતાં બિપિન શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમિગ્રેશન વિભાગે તેની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલ કર્યું હતું કે તે ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થવા માગતો હતો અને એ જ કારણે તેણે ફેક વીઝા તૈયાર કર્યા હતા. એ પછી અમે તેની ધરપકડ કરી છે. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.’