14 April, 2024 10:11 AM IST | Mumbai | Rohit Parikh
આનંદ ગડા
ઑનલાઇન સટ્ટાબાજી શીખવતી અને રમાડતી ઍપ્સ અત્યારના યુગમાં યુવાવર્ગ માટે અને તેમના પરિવાર માટે ખૂબ જ ચિંતાજનક છે, આ સમસ્યાને સમજવાનો અને એનું સમાધાન કરવાનો ક્યારેય કોઈએ પ્રયાસ કર્યો નથી, આવી બધી જ ઍપ્સ પર તાત્કાલિક સરકારે પ્રતિબંધ મૂકીને આજના યુવાનોને બચાવવાની જરૂર છે એમ જણાવતાં ડોમ્બિવલીના રહેવાસી અને ભિવંડીના એક પેટ્રોલ-પમ્પના સુપરવાઇઝર ૪૫ વર્ષના આનંદ ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજના યુવાવર્ગને તારીએ એમાં જ દેશના વિકાસની મહત્તા રહેલી છે. સટ્ટાબાજીની ઍપ્સને કારણે આપણા દેશની યુવા પેઢી કંઈ પણ કર્યા વિના સરળતાથી પૈસા મેળવવા માટે વ્યસની બની રહી છે. યુવાનો તેમના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અધોગતિ તરફ વળી રહ્યા છે. બાળકો મોબાઇલમાં શું કરે છે એ વાલીઓએ જોતા રહેવું જોઈએ અને જાણવું જોઈએ. આપણા દેશની મોટી હસ્તીઓ ટીવીની ઍડમાં અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આવીને આવી ઍપ્સની કે એ પ્રકારની જાહેરાતો કરી રહી છે એના પર સરકારે વહેલી તકે પ્રતિબંધ મૂકવો જોઈએ. અત્યારના વિકાસની આ સૌથી કાળી બાજુ છે. આવી ઍપ્સ આપણા યુવાનો માટે આપત્તિજનક, માનસિક અને આડપરિણામો લાવી શકે છે. એનાથી ઝડપી વૈભવી જીવન જીવવાનાં સપનાં જોતા યુવાનોમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. આજનો યુવાવર્ગ અકાળ નષ્ટ થઈ જશે તો દેશનો વિકાસ કેમ થશે?’ - રોહિત પરીખ