બોરીવલીના ઘર-દેરાસરમાં ચોરી

10 December, 2023 08:07 AM IST  |  Mumbai | Mehul Jethva

અજાણ્યો યુવાન પૂજાનાં કપડાંમાં પ્રવેશી ભગવાને પહેરેલી દોઢ તોલાની ચેઇન લઈને નાસી ગયો

બોરીવલીના ઘર-દેરાસરમાં ચોરી


મુંબઈ ઃ બોરીવલીના એક ઘર-દેરાસરમાં અજાણ્યો યુવાન પૂજાનાં કપડાંમાં પ્રવેશ્યો હતો અને ઘરમાલિક સાથે પૂજા વિશે ગુજરાતીમાં વાત કરી હતી. ત્યાર બાદ ભગવાનની મૂર્તિ સામે આશરે ચારથી પાંચ મિનિટ ઊભા રહ્યા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. તેના ગયા બાદ પરિવારજનોને ભગવાન પર ચડાવેલી ચેઇન ન દેખાતાં આવેલા યુવાને ચોરી કરી હોવાની જાણ થતાં તેની પાછળ તેઓ પણ નીચે ઊતર્યા હતા. જોકે તે યુવાન ગણતરીની મિનિટોમાં ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
બોરીવલી-વેસ્ટમાં જાંબલી ગલીમાં ભક્તિ અપાર્ટમેન્ટમાં રહેતા અને બીકેસીમાં ડાયમન્ડ માર્કેટમાં નોકરી કરતા ૪૩ વર્ષના ગૌરવ શાહે કરેલી ફરિયાદ અનુસાર તેમના ઘરમાં વાસુપૂજ્ય ભગવાનની પંચધાતુની મૂર્તિ છે અને એ મૂર્તિના ગળામાં આશરે ૧૨ ગ્રામ વજનની સોનાની ચેઇન પહેરાવવામાં આવી હતી જેની દરરોજ સાફસફાઈ કરવામાં આવે છે. ગઈ કાલે સવારે નવ વાગ્યાની આસપાસ પૂજાનાં સફેદ કપડાં પહેરેલો એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો અને ગુજરાતીમાં કહ્યું કે ભગવાનની પૂજા કરવી છે અને દર્શન કરીને હું જાઉં છું. એમ કહીને તે માણસ ભગવાનને રાખ્યા હતા એ ઘરમાં ગયો હતો અને પાંચથી સાત મિનિટ સુધી ત્યાં રહ્યા બાદ ઘરની બહાર નીકળી ગયો હતો. તે બહાર ગયો પછી ફરિયાદી ભગવાનને રાખેલા ઘરમાં ગયો ત્યારે ભગવાનના ગળામાં સોનાની ચેઇન નહોતી. ફરિયાદીએ પત્નીને ચેઇન વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે સોનાની ચેઇન સવારે સાફ કરીને ભગવાનના ગળામાં પહેરાવી હતી. આથી ફરિયાદીને સમજણ પડી કે પેલી અજાણી વ્યક્તિ ભગવાનની પૂજાના બહાને ઘરમાં આવી હતી અને ચેઇન ચોરી કરી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ શુક્રવારે બોરીવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ કેસમાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ઓળખ હજી થઈ નથી, કારણ કે તમામ ફુટેજમાં તેણે મોઢા પર જૈન ધર્મની પૂજામાં વપરાતો મુખવટો (મુંહપત્તી) પહેરેલો હતો.’ 

mumbai news maharashtra news borivali mehul jethva