બાળકનો ફોટો શૅર કરો અને ૫૦૦ રૂપિયા મેળવો- સાઇબર ફ્રૉડસ્ટરે શોધ્યો છેતરપિંડી કરવાનો અનોખો રસ્તો

19 July, 2024 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહ્યા પછી સાઇડ બિઝનેસ પર વાત લઈ જઈને ગુજરાતી સહિત પાંચ જણ સાથે થયેલા ઑનલાઇન ફ્રૉડમાં ૬૪ લાખ તફડાવી લેવાયા

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારાના આચોલે પોલીસ-સ્ટેશનની હદમાં એકસાથે પાંચ લોકો સાથે એકસરખો સાઇબર ફ્રૉડ થયો હોવાનું બહાર આવ્યું છે. આ નવી છેતરપિંડીમાં એક ગુજરાતી સ‌હિત પાંચ જણે ઑનલાઇન ફ્રૉડમાં ૬૪ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે બીજા દસેક લોકો સાથે ફ્રૉડ થયો હોવાનું જણાયું છે.

વસઈ-ઈસ્ટના સેરેનિટી ગાર્ડનમાં રહેતી એક મહિલાને મેસેજ આવ્યો કે ફેસબુક પર દીકરાનો ફોટો ઑનલાઇન ઍડ માટે આપવામાં આવશે તો એની સામે ૫૦૦ રૂપિયા મળશે. એ પૈસા મળ્યા હોવાથી થોડો વિશ્વાસ બેઠા બાદ સાઇબર ફ્રૉડસ્ટરે યેલના રૉડ્રિગ્સને સાઇડ બિઝનેસ કરવો છે કે કેમ એમ પૂછ્યું હતું. તેણે હા પાડી એટલે અમુક પૈસા ઇન્વેસ્ટ કરશો તો એની સામે બમણું કમિશન મળશે એવું કહેવામાં આવ્યું હતું. સામેની વ્યક્તિએ પહેલાં ૨૦૦૦ રૂપિયા લીધા હતા અને એની સામે ૨૮૦૦ રૂપિયા મળ્યા હતા. એ પૈસા આપવા માટે તેણે મહિલાના બૅન્ક-અકાઉન્ટની માહિતી લીધી હતી. આ ફ્રૉડસ્ટરે મહિલાને ફસાવીને તેની સાથે ૨૪,૦૫,૦૦૦ રૂપિયાનું ફ્રૉડ કર્યું હતું. આવી જ રીતે ૪૩ વર્ષના ‌નીરજ શર્મા સાથે ૭,૫૯,૦૦૦ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ઉપરાંત ૩૧ વર્ષના અજય ગુપ્તા સાથે ૨,૧૩,૦૦૦ રૂપિયાનું તથા ૬૩ વર્ષના શેષાદ્રિ ઐયર સાથે ૭૫૦૧ રૂપિયાનું ફ્રૉડ થયું હતું. ફ્રૉડની આ પદ્ધતિનો ઉપયોગ કરીને ૩૬ વર્ષના ફોરમ મહેતાને ટેલિગ્રામ ગ્રુપમાં ઓસીસ નામથી ઍડ કરી પૈસા કમાવાની લાલચ આપીને ૨૩,૩૫,૫૪૫ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ રીતે અજ્ઞાત વ્યક્તિ દ્વારા ૬૪,૨૦,૧૪૬ રૂપિયાની પાંચ જણ સાથે છેતરપિંડી થઈ હોવાથી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ કેસની ફરિયાદી અને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍડ્વર્ટાઇઝમેન્ટમાં કામ આપવાનું આશ્વાસન આપીને લોકોને ફસાવવામાં આવે છે. મારા દીકરાનો ફોટો માગીને પહેલાં ૫૦૦ રૂપિયા આપ્યા અને એ પછી સાઇડ વ્યવસાયની વાતોમાં ફસાવીને છેતરપિંડી કરવામાં આવી છે. આ ફ્રૉડ કરનાર મેસેન્જર પર જ વાત કરે છે.’  આચોલે પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી વિજય ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ વિશે એ‌ક‌‌ત્ર‌િત ફર‌િયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai nalasopara vasai virar mumbai police mumbai crime news Crime News cyber crime