બ્રેસ્ટ-કૅન્સરની સારવાર માટે હવે શરૂ થશે સ્વતંત્ર ક્લિનિક

18 February, 2023 10:11 AM IST  |  Mumbai | Suraj Pandey

સ્તન-કૅન્સરના વધતા જતા કિસ્સા જોઈને આવતા મહિનાથી રાજ્ય સરકાર સરકારી મેડિકલ કૉલેજમાં એક સમર્પિત ક્લિનિક શરૂ કરવા જઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : સ્તન-કૅન્સરના વધતા જતા કિસ્સા જોઈને રાજ્ય સરકારે સરકારી મેડિકલ કૉલેજમાં એક સ્વતંત્ર સમર્પિત ક્લિનિક શરૂ કરવાની યોજના બનાવી છે. માહિતી મુજબ પ્રથમ ક્લિનિક કામા ઍન્ડ આલ્બલેસ હૉસ્પિટલમાં ખૂલશે. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અગાઉ ૫૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં સ્તન-કૅન્સરનું નિદાન થતું હતું. હવે ૩૦ અને ૪૦ વર્ષની વયની મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે. એટલે સરકારે આ યોજના શરૂ કરવાનું આયોજન કર્યું છે.’ 

૮ માર્ચે તબીબી શિક્ષણપ્રધાન ગિરીશ મહાજનની આગેવાનીમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે. એનું મુખ્ય ફોકસ તપાસ, નિદાન અને સારવારનું રહેશે. કામા હૉસ્પિટલના અધીક્ષક ડૉ. તુષાર પાલવેએ સ્તન-કૅન્સર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અત્યાર સુધી સ્તન-કૅન્સરનું નિદાન તથા સર્જરી ઓપીડી અને ગાયનેકોલૉજી ઓપીડીમાં કરવામાં આવતું હતું, પરંતુ હવે નિદાન અને સ્ક્રીનિંગ માટે સ્વતંત્ર ક્લિનિક હશે જે માત્ર સ્તન-કૅન્સરની સમસ્યા પર ફોકસ કરશે.’
પરીક્ષણ સાથે તાલીમ

સરકાર માત્ર હૉસ્પિટલમાં જ નહીં, પરતું ઘરે પણ સ્તન-કૅન્સરની તપાસ માટે રોડ-મૅપ તૈયાર કરી રહી છે. આશા વર્કરો ઉપરાંત ઘરની મહિલાઓ પણ સ્ક્રીનિંગ માટે મદદ લઈ શકે છે. આ માટે હૉસ્પિટલના બ્રેસ્ટ ક્લિનિકમાં સારવાર માટે આવતી મહિલાઓની તપાસ કરવાની સાથે તેમને તાલીમ પણ આપવામાં આવશે. તેમને સ્તનની તપાસ કઈ રીતે કરવી એ શીખવવામાં આવશે. આ તાલીમ દ્વારા તે પોતાના ઘરમાં અને પાડોશમાં રહેતી મહિલાઓનું સેલ્ફ-સ્ક્રીનિંગ કરી શક્શે, જેને કારણે આ રોગનું નિદાન સમયસર થશે અને બચવાનો દર પણ વધશે.
ડૉક્ટરોની ટીમ ગ્રામજનો પાસે જશે

એજ્યુકેશન મિનિસ્ટર ગિરીશ મહાજનના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે ‘તમામ હૉસ્પિટલોના ડીનને તેમના અધિકારક્ષેત્ર હેઠળના ગ્રામીણ વિસ્તારોમાં સ્તન-કૅન્સરની તપાસ માટે ડૉક્ટરોની ટીમ મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મહિનામાં એક વખત સ્ક્રીનિંગ કૅમ્પનું આયોજન કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તાર તથા ત્યાંની હૉસ્પિટલોમાં નિયમિત મોબાઇલ ક્લિનિકનું આયોજન કરવામાં આવશે.’

અભ્યાસ કરવામાં આવશે
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સ્તન-કૅન્સરની ટકાવારી ૩૦.૭ ટકા છે. મહારાષ્ટ્રનો ક્રમાંક છઠ્ઠા ક્રમે છે. સ્તન સંબંધિત મૃત્યુઆંક ઘટાડવા માટે રાજ્ય સરકારે માત્ર એનું સ્ક્રીનિંગ જ નહીં, એના અભ્યાસ પર પણ પૂરતો ભાર મૂક્યો છે. સ્ક્રીનિંગ સાથે હૉસ્પિટલના ડીનને એનો ડેટા ભેગો કરવા, દરદીઓનું નિયમિત ફૉલો-અપ લેવા અને એ અનુસાર સ્ટડી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.

mumbai news maharashtra cancer