14 September, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડમાં હાઇવે પર આવેલો ‘કેમ છો?’ બાર ચાર મહિના પહેલાં તોડી પાડવામાં આવ્યો હતો અને ફરી અહીં બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.
મીરા રોડમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ભારતરત્ન ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર નાટ્યગૃહ ઑડિટોરિયમની બાજુમાં ‘કેમ છો?’ નામનો બાર આવેલો છે. આ બારમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગે આ બાર એપ્રિલ મહિનામાં તોડી પાડ્યો હતો. જોકે અહીં ફરી કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગ દ્વારા ઑગસ્ટ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ તોડકામ બાદ ફરી ‘કેમ છો?’ બારમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતાં અતિક્રમણ વિભાગના ઇન્ચાર્જ નરેન્દ્ર ચવાણે ગુરુવારે આ બારની મુલાકાત લીધી હતી. પરવાનગી ન હોવા છતાં અહીં ૨૬૦૦ ચોરસફીટનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતાં અહીં ફરી કાર્યવાહી કરવામાં આવી હતી અને ‘કેમ છો?’ તરીકે ઓળખાતા ડી ફૉર ક્વીન હાયનેસ ઇન બારના માલિક દિનકર હેગડે સહિત પાર્ટનરો સામે મૉનોપોલીઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રૅક્ટિસિસ (MRTP) ઍક્ટ અંતર્ગત કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો.