માલિકની જાણ બહાર ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા

25 July, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના લોખંડના વેપારીને ચાર મહિના પહેલાં કામ પર રાખેલા કર્મચારી પર ભરોસો કરવાનું ભારે પડી ગયું

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં લોખંડના બ્રોકરેજનો વ્યવસાય કરતા ૫૮ વર્ષના નીલેશ જૂઠાણી પાસે બિલિંગનું કામ કરતા ગણેશ યાદવ નામના કર્મચારીએ ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના બૅન્ક-અકાઉન્ટમાં સેરવી લીધા હોવાની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. છેલ્લા ચાર મહિનાથી બિલિંગનું કામ જોતા ગણેશને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના કામ માટે નીલેશભાઈએ પોતાનો મોબાઇલ આપી રાખ્યો હતો જેની મદદથી તેણે રવિવારે ઑફિસ આવીને કંપનીના ખાતામાં રહેલા પૈસા પોતાના બૅન્ક-અકાઉન્ટમાં સેરવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર ધ પ્લૅટિનમ નામના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં શ્રીજી આયર્ન ઇમ્પેક્સ નામે બ્રોકરેજ ફર્મ ધરાવતા નીલેશ જૂઠાણી શુક્રવારથી રવિવાર દરમ્યાન નાશિક ગયા હતા. એ સમયે તેમનો ભાઈ પીયૂષ પણ ઑફિસે નહોતો જેથી આરોપીને મોકળું મેદાન મળી ગયું હતું એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે ચાર મહિના પહેલાં ૨૩ વર્ષના ગણેશ યાદવને અકાઉન્ટ-ડિપાર્ટમેન્ટમાં બિલિંગના કામ માટે રાખવામાં આવ્યો હતો. તેની પાસે કંપનીના બૅન્ક-અકાઉન્ટ સંબંધી તમામ માહિતી હતી એનો ફાયદો ઉપાડીને રવિવારે ઑફિસ આવીને તેણે ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં નીલેશભાઈના મોબાઇલનો ઉપયોગ કરીને ૮૭,૫૦,૦૦૦ રૂપિયા પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. સોમવારે જ્યારે પીયૂષે ઑફિસ આવીને બૅન્ક-અકાઉન્ટ સંબંધી માહિતી તપાસી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં જણાયું હતું કે ગણેશ નીલેશભાઈનો મોબાઇલ પણ લઈ ગયો હતો અને તેણે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પણ બંધ કરી દીધા હોવાનું જણાયા બાદ તેમણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’

કંપનીના તમામ વ્યવહાર, બૅન્કમાંથી આવતા વન ટાઇમ પાસર્વડ (OTP) અને GST ઈ-ચલાનના મેસેજ ઑફિસના માણસો તાત્કાલિક જોઈ શકે એ માટે નીલેશભાઈ પોતાનો મોબાઇલ ઑફિસમાં રાખતા હતા જેનો ઉપયોગ કામ માટે આ પહેલાં અનેક વાર ગણેશે કર્યો હતો એમ જણાવતાં પંતનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ કેવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે પણ ઑફિસનું કામ ચાલતું હોવાથી ફરિયાદી પોતાનો મોબાઇલ ઑફિસ પર જ મૂકી ગયા હતા જેનો ઉપયોગ કરીને ગણેશે પૈસા પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જોકે આ કેસમાં સારી વાત એ છે કે ફરિયાદી તાત્કાલિક અમારી પાસે આવતાં અમે ગણેશના અકાઉન્ટમાં ગયેલા પૈસામાંથી આશરે ૯૦ ટકા રકમ ફ્રીઝ કરી દીધી છે જે થોડા સમયમાં ફરિયાદીને પાછી મળી શકે એમ છે. જોકે હાલમાં અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai ghatkopar gujaratis of mumbai gujarati community news Crime News