વિરારમાં સિનિયર સિટિઝન પર રઝળતા ડૉગી તૂટી પડ્યા

25 February, 2024 07:43 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

અનેક બચકાં ભરીને ઘાયલ કર્યા : વસઈ-વિરાર ક્ષેત્રમાં સુધરાઈ દ્વારા સંચાલિત ૨૨ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ કૂતરા કરડવાના સરેરાશ ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે ઃ નસબંધી ન કરાતાં વધી ગયેલી શ્વાનની વસતિથી દહેશત ઊભી થઈ છે

પાલિકા સંચાલિત નાલાસોપારાની આ હૉસ્પિટલમાં સાયમન મિનેજની સારવાર કરવામાં આવી રહી છે.

વિરારમાં બે દિવસ પહેલાં વહેલી સવારે ૮૩ વર્ષના એક સિનિયર ​સિ​ટિઝન પર રઝળતા કૂતરાઓએ હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. કૂતરાઆએ છાતી, પેટ, પગ સહિતના ભાગમાં બચકાં ભરતાં સિનિયર ​સિ​ટિઝનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા છે. વસઈ-વિરાર મહાનગરપાલિકાનાં ૨૨ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ કૂતરા કરડવાના સરેરાશ ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા હોવાથી કૂતરાઓની આ ક્ષેત્રમાં દહેશત ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

વિરાર-વેસ્ટમાં અગાસી વિસ્તારમાં આવેલા કોલ્હાપુર ગામમાં રહેતા ૮૩ વર્ષના સાયમન મિનેજ ગુરુવારે સવારે મૉર્નિંગ વૉક કરવા નીકળ્યા ત્યારે તેમના પર રઝળતા કૂતરાઓનું ટોળું તૂટી પડ્યું હતું. કૂતરાઆએ સાયમનના હાથ, પગ, છાતી અને પેટ સહિતના ભાગોમાં બચકાં ભરવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સાયમનને ગંભીર હાલતમાં પહેલાં નાલાસોપારા-પૂર્વમાં આવેલા વિજયનગર ખાતેની તુળીંજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની પ્રાથમિક સારવાર અને પાટા​પિંડી કરવામાં આવી હતી. જોકે તેમને શરીરમાં અનેક જગ્યાએ કૂતરાઓએ બચકાં ભર્યાં હોવાથી આગળની સારવાર માટે સોપારા જનરલ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં તેઓ અત્યારે સારવાર હેઠળ છે.

ડૉગ બાઇટના ૨૦ કેસ
તુળીંજ હૉસ્પિટલમાં દરરોજ કૂતરા કરવાના છેલ્લા છ મહિનાથી કેસ વધ્યા છે. આ વિશે આ હૉસ્પિટલનાં ઇન્ચાર્જ ડૉ. કવિતા જગદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૮૩ વર્ષના સાયમન મિનેજને કૂતરાઓના ટોળાએ ચારે તરફથી બચકાં ભર્યાં હતાં. આથી તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. અમે પાટા​પિંટી કરીને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેમને વધુ સારવારની જરૂર હોવાથી સોપારા હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં દરરોજ કૂતરા કરડવાના ૨૦ જેટલા મામલા આવી રહ્યા છે. પહેલાં આવી સ્થિતિ નહોતી.’

ચાર-પાંચ વિસ્તારમાં વધુ મામલા
વસઈ-વિરાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંનાં વિવિધ પ્રભાગ કેન્દ્રોમાં આવેલાં ૨૨ આરોગ્ય કેન્દ્રમાં ઓછાવત્તા અંશે દરરોજ કૂતરા કરવાના કેસ નોંધાય છે. બોળીંજ, તુળીંજ, આચોલે, વસઈ, નવઘર સહિતના કેટલાક વિસ્તારોમાં ડૉગ બાઇટના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં દરરોજ ૩૦૦થી વધુ લોકોને કૂતરા કરડે છે અથવા નખોરિયાં મારે છે. અજાણ્યા લોકો પર રઝળતા કૂતરા વધુ હુમલા કરતા હોવાનું જણાયું છે.’

નસબંધીના અભાવે કૂતરાઓની વસતિ વધી
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સુધરાઈએ કૂતરાઓની નસબંધીનો કાર્યક્રમ બંધ કરી દીધો છે અથવા તો સાવ નામમાત્ર ચાલી રહ્યો છે એને લીધે કૂતરાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. સમયસર કૂતરાઓની વસતિ પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો લોકોનું કૂતરું કરડવાના ડરથી ઘરમાંથી નીકળવાનું બંધ થઈ જશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. કરડવાની સાથે કૂતરા વાહનોની પાછળ દોડીને અકસ્માત કરાવતા હોવાના મામલા પણ બન્યા છે.

કૂતરાના ટોળાએ ગંભીર ઈજા પહોંચાડી
સાયમન મિનેજ સવારના ફરવા નીકળ્યા હતા ત્યારે તેમના પર અનેક કૂતરા તૂટી પડ્યા હતા, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી છે. આ વિશે સોપારા હૉસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. ગૌરવ વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરદી સાયમન મિનેજના હાથ, પગ, પેટ, છાતી સહિતના ભાગમાં કૂતરાઓએ અનેક બચકાં ભર્યાં છે. કેટલાક જખમ ઊંડા છે એટલે સારવાર કરવા માટે તેમને ત્રણ દિવસથી અહીં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. કૂતરાઓનો આવી રીતે હુમલો કરવો એ ચોંકાવનારો છે.’

mumbai news mumbai vasai virar city municipal corporation vasai virar