06 February, 2024 08:03 AM IST | Mumbai | Priti Khuman Thakur
વંશ તેની નવી મમ્મી સાથે અને બાજુમાં તેની જનની માતા સાથે.
ભાઈંદર-ઈસ્ટમાં બી. પી. રોડ પર ભાડાના ઘરમાં રહેતાં ૪૭ વર્ષનાં પ્રતિભા શર્માનાં બન્ને ફેફસાં ખરાબ થઈ ગયાં હોવાથી તેઓ ૨૪ કલાક ઑક્સિજન પર રહે છે અને તેમની હાલત દિવસે-દિવસ ખરાબ થઈ રહી છે. પ્રતિભા શર્માના પતિ તેમનો દીકરો માત્ર ૬ મહિનાનો જ હતો ત્યારે જ ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યારથી તે નોકરી કરીને દીકરાનું પાલનપોષણ કરતાં હતાં. જોકે કુદરતને એ મંજૂર ન હોય એમ તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. છેવટે ડૉક્ટરોએ કહી દીધું કે તેમનાં બન્ને ફેફસાં સંપૂર્ણ રીતે ડૅમેજ થઈ ગયાં છે અને જેટલા દિવસ જિંદગી છે એ બોનસ સમજીને ચાલો. પ્રતિભા શર્માને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ પોતાના પાંચ વર્ષના બાળકનું શું થશે એ ચિંતામાં તે હૉસ્પિટલથી પાછાં ઘરે આવ્યાં હતાં. તેમની સ્થિતિ સોશ્યલ મીડિયા પર આવતાં લોકોને તેમની તબિયત અને બાળક વિશે જાણકારી મળતાં તેઓ પણ ભાવુક બન્યા હતા. પ્રતિભા શર્મા ઘરે પણ ૨૪ કલાક ઑક્સિજન પર જ રહે છે એટલે તેમને તેમના બાળક માટે નવાં માતા-પિતા શોધવા સ્થાનિક લોકોએ ખૂબ મદદ કરી હતી. તે ઍમ્બ્યુલન્સમાં રજિસ્ટ્રાર પાસે દત્તક લેવાની પ્રક્રિયા કરવા ગયાં ત્યારે થોડી વાર ઑક્સિજન દૂર કરવામાં આવતાં તેમની હાલત ખરાબ થવા લાગી હતી. અંતે દીકરાને દત્તક આપીને તેઓ ફરી નાયર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયાં હતાં.
સ્થાનિક લોકોએ સંપર્ક કરતાં પ્રતિભા શર્માએ કહ્યું હતું કે ‘હવે કોઈ દવા કામ આવે એમ નથી. દિલ્હીની એઇમ્સમાં ઑપરેશન માટે લગભગ ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે જે હવે શક્ય નથી. જોકે મને મારા બાળકની બહુ ચિંતા છે.’
એટલે સ્થાનિક જાગૃત વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવ્યું કે તેમણે બાળકને દત્તક આપવું છે? તેમણે હા પાડતાં સ્થાનિકમાંથી જિતેશ વોરાના સંપર્કમાંનાં બે દંપતીને બાળક જોઈતું હતું. આ બન્ને દંપતીને બાળકો ન હોવાથી છેલ્લાં અનેક વર્ષોથી તેઓ બાળક દત્તક લેવાનો પ્રયાસ કરતાં હતાં.
એમાંથી એક દંપતી પુણેથી અને એક દંપતી અહમદનગરથી તૈયાર થયું હતું. બન્નેની સ્થિતિ જોઈને અહમદનગરના દંપતીને બાળક જોવા બોલાવ્યું હતું. તેમને બાળક પસંદ આવ્યું હોવાથી છેવટે એક દિવસ ચર્ચા કર્યા પછી દીકરા વંશને ખોળે લેવાનું નક્કી થયું. ત્યારે ત્રણથી ચાર વકીલનો અભિપ્રાય પણ લેવાયો હતો. ભાઈંદરના વકીલ હંસરાજ પાટીલે પેપર્સ તૈયાર કર્યાં, પરંતુ અહીં રજિસ્ટ્રેશનમાં પ્રૉબ્લેમ આવી રહ્યો હતો અને પ્રતિભા શર્માની તબિયતને હિસાબે તેમને પણ દાખલ કરવાં પડે એમ હતાં. છેવટે થાણેના વકીલ રવિ પાટીલે તત્કાળ કામ પૂરું કરવાની જવાબદારી લીધી હતી. તેમણે કહ્યું કે સારા પંડિતને બોલાવીને દત્તક લેવા માટે શાસ્ત્રોના હિસાબે તત્કાળ વિધિ પૂરી કરાવી લો. બીજા દિવસે વકીલ રવિ પાટીલને બધાં પેપર્સ મોકલી આપવામાં આવ્યાં હતાં. એક દિવસ વકીલનો પેપર્સ તૈયાર કરવામાં ગયો અને અહીં પ્રતિભા શર્મા અને દત્તક લેનાર દંપતી રાજેશ જામગાવકાર અને વિજયા જામગાવકારની પંડિત પાસે દત્તક લેવાની વિધિ પૂરી કરીને ફોટો થાણે મોકલવામાં આવ્યા.
ત્યાર બાદ બીજા દિવસે ઍમ્બ્યુલન્સમાં પ્રતિભા શર્માને કલવા રજિસ્ટ્રાર ઑફિસમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં રાહ જોવામાં થોડો સમય લાગતાં ઍમ્બુલન્સવાળાએ કહ્યું કે ઑક્સિજન ઓછો થતો જાય છે. થોડું ટેન્શન વધ્યું ત્યાં રજિસ્ટ્રાર આવી ગયા. વકીલે દરદીની હાલત બતાવી કેસ પ્રાયોરિટી પર લેવડાવ્યો હતો. ઍમ્બ્યુલન્સમાંથી માત્ર ત્રણ-ચાર મિનિટ બહાર લાવતાં જ પ્રતિભા શર્માની હાલત લથડવા લાગી હતી. રજિસ્ટ્રારે તત્કાળ ફોટો અને સાઇન લઈ તેમને ઍમ્બ્યુલન્સમાં મોકલી બાકીનું કામ પતાવ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવીને તરત જ બધા પાછા જવા નીકળ્યા હતા. બીજા દિવસે પ્રતિભા શર્માને રાજેશ અને વિજયા રાતે મળવા ગયાં અને થોડી રકમ આપવાની કોશિશ કરી કે તમારી ટ્રીટમેન્ટમાં કામ આવશે. જોકે પ્રતિભા શર્માએ એક પણ રૂપિયો લેવાની ના પાડી દીધી કે હવે મારે પૈસાનું શું કરવું છે? મારું બાળક સલામત છે એની મને શાંતિ છે. પછી જિતેશ વોરા અને તેમનાં પત્ની સહિત તમામ સામે હાથ જોડીને કહ્યું કે તમે મારી જિંદગીનું બધું ટેન્શન દૂર દીધું છે, હવે મને એક મિનિટ પછી પણ મોત આવે તો ગમ નથી.
પ્રતિભા શર્માની હાલત ખરાબ થતાં બીજા દિવસે તેમને ઍમ્બ્યુલન્સમાં નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને વંશને નવાં માતા-પિતાને સોંપવામાં આવ્યો છે. પ્રતિભા શર્મા ઑક્સિજન પર છે, પરંતુ એકદમ શાંતિ અનુભવી રહ્યાં છે. વંશ પણ નવાં મમ્મી-પપ્પા સાથે ખુશ છે. તેને કહેવામાં આવ્યું છે કે મમ્મીની તબિયત સારી નથી એટલે હૉસ્પિટલમાં છે. ત્યાં નાનાં બાળકોને નથી આવવા દેતાં એટલે તું આઈ પાસે રહે. તે પણ સારી રીતે એક પણ વખત રડ્યા વગર તેમની સાથે હળીમળી ગયો છે.
દત્તક લેવાની પ્રક્રિયા કરનાર ઍડ્વોકેટ રવિ પાટિલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યોગ્ય કાગળિયાં સાથે કાયદાકીય દત્તકની પ્રક્રિયા કરવામાં આવી છે. આને લીધે દીકરાને પણ નવું જીવન મળશે.
દત્તક લેનાર નવી મમ્મીએ ભાવુક થતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારાં લગ્ન મોડાં થયાં હોવાથી મેડિકલ સમસ્યાને કારણે બાળક થતું નહોતું, પરંતુ અચાનક અમારા જીવને નવો વળાંક લીધો છે અને ભગવાનની આ દેનનું અમે જીવથી પણ વધુ ધ્યાન રાખીશું. એ તમામ લોકોને અમે વંદન કરીએ છીએ જેમણે અમને મદદ કરી છે.