19 November, 2023 09:11 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ લાલબાગમાં રહેતાં ૮૧ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા દેરાસર જઈને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે એક મહિલાએ તેમને બોલાવીને કહ્યું કે ક્યા આપકો માલૂમ હૈ, મોદીજી આપ જૈસી મહિલા કો ૭૦૦૦ રુપએ દે રહે હૈં? એમ કહીને તે મહિલાએ સિનિયર સિટિઝન મહિલાને પોતાની સાથે ટૅક્સીમાં બેસાડી તેમની પાસેથી આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીના તડફાવી લીધા હતા.
પુષ્પા જૈને કરેલી ફરિયાદ અનુસાર ૧૭ નવેમ્બરે સવારે તેઓ ભોઈવાડા ખાતે ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને ઘરે જતાં હતાં ત્યારે એક મહિલાએ તેમને બોલાવ્યાં હતાં. તેણે પુષ્પાબહેનને કહ્યું કે આપકો માલૂમ હૈ, મોદીજી આપ જૈસી મહિલા કો ૭,૦૦૦ રુપએ દે રહે હૈં? હું તેમની જ ઑફિસમાં કામ કરું છું. હું તમને પૈસા અપાવીશ. જો તમે વિધવા છો તો તમને ૩૫,૦૦૦ રૂપિયા મળશે. પુષ્પાબહેન મહિલાની વાત માનીને તેની સાથે જવા તૈયાર થયાં હતાં. થોડે દૂર ચાલ્યા પછી મહિલા એક ટૅક્સીમાં બેસી હતી. ફરિયાદી મહિલાની વાત પર વિશ્વાસ કરીને તેઓ ટૅક્સીમાં બેસી ગયાં હતાં. ટૅક્સી મુંબઈ ઍરપોર્ટની નજીક પહોંચી ત્યારે ફરિયાદીએ મહિલાને પૂછ્યું કે તેઓ ક્યાં જાય છે? તેણે કહ્યું કે તેઓ અંધેરી ઑફિસમાં જઈ રહ્યાં છે. ત્યાર બાદ મહિલાએ કહ્યું કે જો ઑફિસમાં તમારા હાથમાં સોનાની બંગડીઓ જોશે તો તમને પૈસા નહીં મળે, એટલે મારી પાસે જે બૅગ છે એમાં તમે બંગડીઓ મૂકી દો. ફરિયાદીએ હાથમાંની બંગડીઓ તેની પાસેની બૅગમાં મૂકી દીધી હતી. થોડા સમય પછી મહિલાએ ટૅક્સી રોકી એનું ભાડું ચૂકવીને છોડી દીધી હતી. એ પછી તેણે ફરિયાદીને કહ્યું કે ઑફિસ થોડે દૂર છે, આપણે રિક્ષામાં જવું પડશે. એમ કહીને બન્ને રિક્ષામાં બેઠા પછી રિક્ષા થોડી આગળ ગઈ હતી. ત્યાર બાદ થોડી જ વારમાં મહિલાએ રિક્ષામાંથી નીચે ઊતરી બંગડીવાળી બૅગ ફરિયાદીને આપીને કહ્યું કે તમારી બંગડીઓ આ બૅગમાં છે, તમે અહીં રાહ જુઓ, હું પૈસા લેવા માટેના દસ્તાવેજો સાથે તરત જ આવીશ. તેની વાત માનીને ફરિયાદી ત્યાં જ ઊભાં રહ્યાં હતાં. લાંબો સમય વીતી જવા છતાં મહિલા પાછી ન આવતાં તેણે આપેલી બૅગની તપાસ કરતાં એમાં રાખેલી સોનાની બંગડીઓ મળી નહોતી. ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં એની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં વડા પ્રધાનનું નામ વાપરીને છેતરપિંડી કરવામાં આવી છે, જે બહુ જ ચોંકાવનારું છે. આ કેસને ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી છે.’