30 September, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણે જિલ્લામાં મુમ્બ્રા-મ્હાપે રોડ પર આવેલા પેટ્રોલ પમ્પ પાસે રહેતો ૧૮ વર્ષનો યુવાન ગુરુવારે સવારે તેના ભાઈથી જ અકસ્માતે છોડાયેલી ગોળી વાગતાં ઘાયલ થયો હતો. પોલીસે આ ઘટનાની નોંધી લઈ તેના ભાઈની ધરપકડ કરી હતી. મૂળમાં તેનો ભાઈ લાયસન્સ વગરની ગન ચેક કરી રહ્યો હતો ત્યારે ટ્રિગર દબાઈ જતાં એમાંથી ગોળી છૂટી હતી, જે બાજુમાં ઊભેલા તેના ભાઈને વાગી હતી. એથી ત્યાર બાદ તરત જ તેને સારવાર માટે લઈ જવાયો હતો અને તેની સર્જરી કરવામાં આવી હતી. જોકે હવે તેની કન્ડિશન સ્ટેબલ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બન્ને ભાઈઓ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં મોબાઇલ તફડાવતી ગૅન્ગના સભ્યો છે. ગોળી છોડનાર સામે પોલીસે ભારતીય ન્યાયસંહિતાની કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.