17 December, 2022 09:16 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં ગુરુવારે ૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમ્યાન અમિતાભ બચ્ચન, મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, ફિલ્મમેકર મહેશ ભટ્ટ, શત્રુઘ્ન સિંહા, શાહરુખ ખાન અને અન્ય હસ્તીઓ હાજર હતી.
અમિતાભ બચ્ચનના શબ્દોએ ગઈ કાલે ભારતના રાજકારણમાં હલચલ મચાવી હતી. તેમણે કલકત્તામાં ‘અભિવ્યક્તિની આઝાદી’ વિશે સવાલો કરાઈ રહ્યા’ હોવાનું જણાવ્યું હતું. જેના પછી એ મામલે પશ્ચિમ બંગાળની શાસક તૃણમૂલ કૉન્ગ્રેસ અને બીજેપી વચ્ચે ટ્વિટર પર શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ. બન્નેએ ‘લોકો પર અત્યાચાર ગુજારવાનો’ એકબીજા પર આરોપ મૂક્યો હતો.
બચ્ચને કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે મંચ પર મારા કલીગ્સ એ વાતથી સંમત થશે કે અત્યારે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.’
બીજેપીના આઇટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘અમિતાભ બચ્ચનના શબ્દો એનાથી વધારે ભવિષ્યસૂચક ન હોઈ શકે, કેમ કે એ શબ્દો કલકત્તામાં બોલાયા હતા અને મમતા બૅનરજી મંચ પર હતાં. એ અત્યાચારીને અરીસો બતાવવા જેવું છે.’
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય નુસરત જહાંએ ગઈ કાલે એનો જવાબ આપતાં ટ્વિટર પર લખ્યું હતું કે ‘અત્યાચારી શાસનના સંકેતોમાં ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો, પત્રકારોની અટકાયત કરવી અને સાચું બોલવા બદલ સામાન્ય લોકોને સજા કરવી સામેલ છે.’