04 May, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને કોસ્ટલ રોડ
અમિતાભ બચ્ચને સાઉથ મુંબઈ જવા માટે હાલમાં પાછો કોસ્ટલ રોડનો ઉપયોગ કર્યો હતો અને એનાથી ખુશ થઈ એનાં વખાણ પણ કર્યાં હતાં અને એ બદલ ટ્વીટ કર્યું હતું. એ પછી કોસ્ટલ રોડ બનાવવાની ક્રેડિટ લેવા ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) વચ્ચે હોડ લાગી હતી અને તેમનાં તરફથી પણ આ સંદર્ભે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
અમિતાભ બચ્ચને ટ્વીટમાં કહ્યું હતું કે ‘વાહ ક્યા બાત હૈ, સાફસુથરી નયી બઢિયા સડક, કોઈ રુકાવટ નહીં. JVPD સે મરીન ડ્રાઇવ ૩૦ મિનિટ મેં.’
એમના આ ટ્વીટ પછી BJPએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘થૅન્ક યુ બચ્ચનજી, BJPની સરકાર ભારતીય નાગરિકોને ક્વૉલિટી રોડ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પ્રતિબદ્ધ છે. અમે આપણા લાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૅન ઑફ મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસની લીડરશિપ હેઠળ તેમની ગૅરન્ટી પૂરી કરી રહ્યા છીએ. તમારા જેવા મહાનુભાવે આ રોડ પર પ્રવાસ કરી, આવી ખુશીની પળો માણી, અમારા કામની કદર કરી એ અમારા માટે ગર્વની વાત છે.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ટ્વીટ કરીને કહ્યું કે ‘બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને મુંબઈના વિકાસના કામને બિરદાવ્યાં છે, એ અમને ભવિષ્યમાં ઉત્તમ કાર્ય કરવાની ઊર્જા આપશે.’
જોકે BJPના ટ્વીટ બાદ એના પર પ્રતિક્રિયા આપતાં આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ બદલ BJP ક્રેડિટ લે એ બહુ હાસ્યાસ્પદ છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ એવો છે કે જેની સાથે BJPને કંઈ જ લાગતુંવળગતું નથી, એમણે તો આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની જે પરવાનગી આપવાની હતી એ બે વર્ષ સુધી રોકી રાખી હતી. BJP હંમેશની જેમ એણે ન કર્યાં હોય એવાં કામની ક્રેડિટ લેવા બેબાકળી છે. કોસ્ટલ રોડની જાહેરાત તો કરી, પણ BMC મારફત એ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ તૈયાર કરાવ્યો છે એટલું જ નહીં, આટલું મોડું કર્યા બાદ પણ કોસ્ટલ રોડ આંશિક રીતે જ ચાલુ કરાયો છે. જો મહા વિકાસ આઘાડી (MVA)ની સરકાર સત્તામાં હોત તો એ ૨૦૨૩ના ડિસેમ્બરમાં જ ચાલુ કરાવી દીધો હોત અને એમાં પણ એના કૉસ્ટિંગમાં કોઈ પણ વધારો કર્યા વગર.’