06 March, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહની લોકસભા ચૂંટણી 2024 માટે સીટ-શૅરિંગ ટફ ડીલ
અમિત શાહે મંગળવારે મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને ચર્ચાઓ કરી. તેમણે અજિત પવાર અને એકનાથ શિંદે સામે એક ટફ ડીલ રજૂ કરી છે. તેમણે શિંદે સેનાને 10 અને અજિત પવારની એનસીપીને 4 સીટ આપવાની વાત કરી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની સીટ વહેંચણી પર મંગળવારે અમિત શાહે ચર્ચા કરી. તેમણે સીએમ એકનાથ શિંદે અને ડિપ્ટી સીએમ અજિત પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા. મીટિંગમાં એકનાથ શિંદે થોડા નરમ જોવા મળ્યા અને પહેલા 22 સીટોની માગ મૂકનાર શિવસેનાએ 13 લોકસભા સીટની વાત રજૂ કરી. અહીં અજિત પવારે માગ મૂકી કે તેમને બારામતી સહિત 8 સીટ આપવામાં આવે. આના જવાબમાં અમિત શાહે ટફ ડીલ રજૂ કરતાં એકનાથ શિંદેની શિવસેનાને 10 સીટ અને અજિત પવારની પાર્ટીને 4 જ સીટ આપવા માટે કહ્યું.
આમાંથી એક સીટ બારામતી અને બીજી ગડચિરોલીની હશે, જ્યાં અજિત પવાર પોતાની પત્ની સુનેત્રને ઉતારવા માગે છે. બારામતી સીટ પરથી શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે સાંસદ બનતાં રહ્યાં છે. ગડચિરોલીથી અજિત પવાર રાજ્ય સરકારમાં મંત્રી ધર્મરાવ બાબા આત્રામને ઉતારવા માગે છે. ભાજપ ઈચ્છે છે કે 48માંથી 32 સીટ તે પોતે લડે અને બાકીની સીટ ગઠબંધનના સાથીદારોને આપવામાં આવે. અમિત શાહે કહ્યું કે ભાજપની જીતવાની શક્યતાઓ લોકસભામાં વધારે છે. આથી અમને અત્યારે વધારે સીટ આપો, પછી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનના સાથીદારો માટે ભાજપ વધુ સીટ આપશે. આ રીતે અમિત શાહે ટફ ડીલ સાથે એક મોટો વાયદો પણ કરી દીધો છે. (Lok Sabha Election 2024)
ભાજપ ઈચ્છે છે કે પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને રત્નાગિરી સિંધુદુર્ગની સીટમાં ફેરફાર પણ કરી લેવામાં આવે. હવે મુંબઈની વાત કરીએ તો અહીં એકનાથ શિંદેની પાર્ટીએ બે સીટની માગ રજૂ કરી છે. પણ ભાજપ એકમાત્ર થાણે સીટ જ આપવા માગે છે. આ સીટ શિવસેનાનો ગઢ રહી ચૂકી છે અને ખાસ કરીને એકનાથ શિંદેનો સારો પ્રભાવ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી મીટિંગમાં અમિત શાહે સ્પષ્ટ ઑફર આપી કે તમે લોકો અત્યારે ઓછી સીટ લઈ લ્યો. પછી આના બદલામાં વિધાનસભામાં વધારે સીટ તમને ઑફર કરી શકાય છે.
આ દરમિયાન ભાજપે જણાવ્યું કે મહારાષ્ટ્રની સીટને લઈને પણ હવે વિચાર વિમર્શ થશે. હાલ જે સીટને લઈને મતભેદની સ્થિતિ છે, તેમના સિવાય કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. તેમણે આગામી કેટલાક દિવસોમાં ત્રણેય ગઠબંધનના સાથી સીટોના મુદ્દાને ઉકેલી લેવાની બાંયધરી આપી છે. જણાવવાનું કે અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ સીટ વહેંચણીના મુદ્દે મહત્વનો હતો. દરમિયાન તેમણે સંભાજીનગરમાં એક રેલીને પણ સંબોધી હતી. અહીં તેમણે વર્તમાન સાંસદ ઈમ્તિયાઝ જલીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંથી નિઝામના શાસનને ખતમ કરવાની જરૂર છે.