14 November, 2024 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની પહેલી મહિલા બટૅલ્યનને કેન્દ્ર સરકારે સોમવારે મંજૂરી આપી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની પહેલી મહિલા બટૅલ્યનને કેન્દ્ર સરકારે સોમવારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રનિર્માણના દરેક સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મજબૂત પગલું ભર્યું છે અને મોદી સરકારે CISFની પહેલી પૂર્ણ મહિલા બટૅલ્યનની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. તેઓ ઍરપોર્ટ અને મેટ્રો રેલ સ્ટેશન જેવાં મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુરક્ષાની જવાબદારી સંભાળશે. તેઓ કમાન્ડો તરીકે VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન)ની સુરક્ષા પણ કરી શકશે. આ નિર્ણય નિશ્ચિતરૂપે રાષ્ટ્રની રક્ષાના મહત્ત્વપૂર્ણ કાર્યમાં સામેલ થવા માટે વધારે મહિલાઓની ઇચ્છા પૂરી કરશે. આ બટૅલ્યનમાં ૧૦૦૦થી વધારે મહિલાઓ સામેલ હશે.’
CISFમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૭ ટકાથી વધારે છે. એ ભારતમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાંની એક છે અને એની સ્થાપના ૧૯૬૯માં કરવામાં આવી હતી. એને સરકારી અને ઇન્ડસ્ટ્રિયલ એકમોની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે.