22 January, 2025 06:48 AM IST | Mumbai | Samiullah Khan, Diwakar Sharma
સૈફ પર હુમલો કરીને ભાગતી વખતે અને ત્યાર પછી આરોપી CCTV કૅમેરાનાં ફુટેજમાં જેવો દેખાય છે (૧ અને ૨) એના કરતાં થાણેમાં પકડાયો ત્યારે (૩) તથા અન્ય ફોટોમાં (૪) જુદો દેખાય છે એટલે સોશ્યલ મીડિયામાં જ નહીં, બૉલીવુડમાં પણ ગણગણાટ થઈ રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુંબઈ પોલીસનું કહેવું છે કે તેમની પાસે હુમલાખોરની ખિલાફ પૂરતા પુરાવા છે :સિક્યૉરિટી એક્સપર્ટનું પણ કહેવું છે કે જે વ્યક્તિનો ફોટો હોય તે કૅમેરાની રેન્જની બહાર હોય અને લાઇટનું એક્સપોઝર હોય તો તેના મોઢાનાં ફીચર્સ ઇમેજમાં જુદાં દેખાવાની ભારોભાર શક્યતા હોય છે
જ્યારથી સૈફ અલી ખાન પર અટૅક કરનારો શરીફુલ ફકીર પકડાયો છે ત્યારથી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને પોલીસે થાણેમાં તેને જ્યાંથી પકડ્યો હતો એની ઇમેજ જોઈને સોશ્યલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે મુંબઈ પોલીસે ખરેખર સૈફના ઘરે હુમલો કરનારને જ પકડ્યો છેને? કારણ કે આ બન્ને ઇમેજમાં જે વ્યક્તિ દેખાય છે એ એકબીજા સાથે મૅચ ન થઈ રહી હોવાનું લોકોનું કહેવું છે. બૉલીવુડમાં પણ આ બાબતનો ગણગણાટ થઈ રહ્યો છે અને તેમને પણ પોલીસના દાવા સામે શંકા થઈ રહી છે.
સૈફ પર હુમલો કરનારનું સાચું નામ મોહમ્મદ શેહઝાદ નથી પણ શરીફુલ ફકીર છે એ પોલીસને તેના ડૉક્યુમેન્ટ્સના આધારે જાણવા મળ્યું છે, પણ હવે તો આ જ ખરો આરોપી છે કે નહીં એ સવાલ ઊભો કરવામાં આવ્યો છે.
આરોપીનાં CCTV કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલા અટૅકરને શોધવો પોલીસ માટે અઘરું કામ થઈ ગયું હતું, પણ આ કેસમાં પહેલી સફળતા પોલીસને બાંદરા સ્ટેશનના ચહેરાને ઓળખી કાઢતા સિક્યૉરિટી કૅમેરા જોઈને મળી હતી. આ કૅમેરાએ ૧૬ જાન્યુઆરીએ આરોપી બાંદરા સ્ટેશને હોવાનું શોધી કાઢ્યું હતું. ત્યાર બાદ કરેલી ઝીણવટભરી તપાસમાં અંધેરીના ડી. એન. નગરથી મળેલું ફુટેજ મહત્ત્વનું પુરવાર થયું હતું જેમાં એક બાઇકર આરોપીને ડ્રૉપ કરતો જોવા મળે છે. આ બાઇકરે આરોપીને અંધેરી સ્ટેશનથી ડી. એન. નગર છોડ્યો હતો. આ બાઇકના નંબર પરથી પોલીસ એના માલિક સુધી પહોંચી હતી અને તેની મદદથી તેઓ આરોપી સુધી પહોંચ્યા હતા.
ઘણી સિક્યૉરિટી એજન્સીઓ સાથે કામ કરતા એક ડિજિટલ ફૉરેન્સિક એક્સપર્ટે કહ્યું હતું કે ‘CCTV ફુટેજ વૉટ્સઍપ અને બીજાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હોવાથી ઇમેજની ક્વૉલિટી ખરાબ થઈ ગઈ હતી. આને લીધે એની ઇમેજ પોલીસે પકડેલા માણસ સાથે આસાનીથી મૅચ નહોતી થતી. કોઈ પણ એજન્સી એક પુરાવાના આધારે કામ ન કરતી હોય. મને ખાતરી છે કે કેસને મજબૂત બનાવવા માટે મુંબઈ પોલીસ પાસે આરોપીની ખિલાફ કૉલ ડીટેલ રેકૉર્ડ, CCTVનાં ફુટેજ, આઇ-વિટનેસ સહિતનાં પ્રૂફ હશે. આપણે બધા જાણીએ છીએ કે પોલીસ પર આ કેસને લઈને જબરદસ્ત પ્રેશર હતું, પણ કોઈ પણ એજન્સી આવા હાઈ-પ્રોફાઇલ કેસમાં ભૂલથી પણ કોઈ ભૂલ ન કરે.’
એક ઇન્ડિયન પોલીસ ઑફિસર (IPS) ઑફિસરે કહ્યું હતું કે ‘ઘટના બાદ આરોપીને ખબર પડી ગઈ હતી કે આખી પોલીસ ફોર્સ તેની પાછળ લાગી છે એટલે જ બીજા દિવસે તેણે લુક બદલવા માટે વાળ કપાવી નાખ્યા હતા. સોશ્યલ મીડિયામાં શું વાતો ચાલી રહી છે એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અમારું કામ કોર્ટમાં પુરવાર કરવાનું છે કે આ જ આરોપી છે અને એના માટે અમારી પાસે પૂરતા પુરાવા છે.’
પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં ઘણી વાર મદદ કરનારા સિક્યૉરિટી એક્સપર્ટ વિકાસ વર્માએ કહ્યું હતું કે ‘CCTV ફુટેજ અને ઍક્ચ્યુઅલ ફોટોમાં ફરક કૅમેરાના સ્પેસિફિકેશનને લીધે પણ હોઈ શકે. જેનો ફોટો છે એ કૅમેરાની રેન્જની બહાર હોય અને લાઇટનું એક્ઝપોઝર હોય તો તેના મોઢાનાં ફીચર્સ ઇમેજમાં જુદા દેખાવાની ભારોભાર શક્યતા હોય છે. જોકે આવી ઇમેજને પિક્સેલ વધારીને વધારે ક્લિયર બનાવી શકાય છે. વિદેશોમાં તો કૅમેરા લોકોને તેમની બૉડી-લૅન્ગવેજ પરથી ડિટેક્ટ કરી લેતા હોય છે.’
અત્યારે આઇફોનમાં સૌથી પાવરફુલ ફેસ ડિટેક્શન કૅમેરા છે જે એક વ્યક્તિને તેના બાળપણથી લઈને મોટી ઉંમરના ફોટોને પણ આઇડેન્ટિફાય કરી શકે છે.