24 December, 2022 09:55 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અત્યારે આ પ્રશ્ન શૅરબજાર સાથે જોડાયેલી દરેક વ્યક્તિને સતાવી રહ્યો છે, પણ જો તમે રોકાણકાર હો તો ભારત જેવા વિકાસશીલ દેશોનાં શૅરબજારો વધ-ઘટે હંમેશાં તેજીતરફી જ રહેવાનાં છે, માટે બજારની મંદીથી ડરી જવાની જરાય જરૂર નથી
શુક્રવારે શૅરબજાર ૯૮૧ પૉઇન્ટ લથડ્યું, ‘મારા ડાલા, માર ડાલા’નું કોરસ શરૂ થઈ ગયું. હવે શું કરવું? બજાર કેટલું તૂટશે? રાખું કે વેચી મારું? ઇત્યાદિ પ્રશ્નોનો મારો ચાલ્યો, હજીય ચાલતો રહેશે. જોકે આમાં ઘાંઘા થવાની જરૂર નથી. બજાર છે, વધ-ઘટનો સિલસિલો તો ચાલુ જ રહેવાનો છે. આમ રઘવાટે ચડશો તો જે હશે એ પણ ગુમાવશો. હાલમાં તો ૯૦૦ પૉઇન્ટ બજાર તૂટ્યું છે, આગળ ઉપર ૯૦૦૦ પૉઇન્ટ પણ તૂટી શકે છે, પરંતુ એ ૯૦૦૦ તૂટ્યા પછી બુલરનમાં શૅરઆંક ૯૦,૦૦૦નો થવાનો છે એ યાદ રાખજો.
ગઈ કાલના કડાકામાં રોકાણકારોના ૮.૪૨ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. તો શું? થઈ ગયા તો થઈ ગયા, હજીય થશે. બજારમાં તેજી કે મંદીનું ચક્ર જ્યારે ચાલવા માંડે છે ત્યારે એમાં ટૉપ કે બૉટમનું કોઈ જ બંધારણ હોતું નથી. ટૉપ કે બૉટમ અવશ્ય આવે છે, પણ ક્યારે આવે એની કોઈને ખબર હોતી નથી. મુખ્ય વાત એક જ છે કે ભારત જેવા વિકાસશીલ દેશોનાં શૅરબજારો વધ-ઘટે હંમેશાં તેજીતરફી જ રહેવાનાં છે, માટે જ જો તમે રોકાણકાર હો તો બજારની મંદીથી ડરી જવાની જરાય જરૂર નથી. અહીં વાત રોકાણકારની થઈ રહી છે, સટોડિયાની નહીં! રાતોરાત કે ચાર-છ-બાર મહિનામાં ‘એકના અનેક’ની લાલસાથી બજારમાં પગ મૂક્યો હોય તો વહેલી તકે નીકળી જજો, નહીંતર સમ ખાવા પૂરતા પૈસા પણ નહીં રહે.
જે લોકો રોકાણ કરતાં પહેલાં ચોક્કસ અને વાજબી રિટર્નની ગણતરી મૂકે છે તેઓ એ માટેના સમયગાળા નક્કી કરી રાખે છે. તેમણે જ્યારે પણ આ ટાર્ગેટ પૂરો થાય કે તરત રોકાણમાંથી રોકડી કરી લેવી. ધારેલા સમયમાં જેકોઈ રિટર્ન મળતું હોય કે ખોટ જતી હોય એને ગાંઠે કરતાં શીખો, પછી તમારે ભાગ્યે જ બજારમાં મંદીથી ડરવાનો વારો આવશે. જેમનામાં કોઈ ‘રિઝનિંગ’ જ નથી કે દેખાદેખીથી બજારમાં આવ્યા છે, રાતોરાત મર્સિડીઝ કે પૉર્શેના માલિક બની જવું છે એ લોકો રોકાણકાર છે જ નહીં, નાના સટોડિયા છે બધા... અને આ લોકો જ બજારના દરેક કડાકા વખતે ‘માર ડાલા, માર ડાલા’ના મરસિયા ગાય છે. નો પ્રૉબ્લેમ, ગાવા દો તેમને, બજાર ઝાંઝરપગાઓ માટે નથી...યે હુનર જો આ જાએ, આપકા ઝમાના હૈ, પાંવ કિસકે છૂને હૈં, સર કહાં ઝુકાના હૈ!