બજેટમાં બીએમસીએ ફુટપાથ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા, પણ એને ફેરિયામુક્ત કઈ રીતે કરશે?

07 February, 2023 12:08 PM IST  |  Mumbai | Prajakta Kasale

ઇકબાલ સિંહ ચહલે તેમની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે મુંબઈ સુધરાઈ નવ મીટર કે એથી વધુ પહોળાઈ ધરાવતા શહેરના તમામ માર્ગો પરની ફુટપાથ સિમેન્ટ-કૉન્ક્રીટની બનાવશે

બાંદરા-વેસ્ટના હિલ રોડ પર ગેરકાયદે ફેરિયાઓએ સ્ટૉલ્સ ઊભા કર્યા છે

સુધરાઈએ ફરી એક વખત રાહદારીઓને બહેતર ફુટપાથ આપવાનું વચન આપ્યું છે અને ૨૦૨૩-૨૪ના બજેટમાં આ માટે ૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, પણ બીજી તરફ રાહદારીઓના માથાના દુખાવાસમાન ફેરિયાઓનું દૂષણ હજુ અકબંધ છે અને નજીકના ભવિષ્યમાં એનો ઉકેલ આવવાની આશા પણ નથી વર્તાતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા ઇકબાલ સિંહ ચહલે તેમની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે મુંબઈ સુધરાઈ નવ મીટર કે એથી વધુ પહોળાઈ ધરાવતા શહેરના તમામ માર્ગો પરની ફુટપાથ સિમેન્ટ-કૉન્ક્રીટની બનાવશે.

તેમણે જણાવ્યા અનુસાર ‘આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન્સ સાથેની સુયોગ્ય ગુણવત્તાની નવી સિમેન્ટ-કૉન્ક્રીટની ફુટપાથ ઝડપથી તૈયાર કરવામાં આવશે. મુંબઈકરનાં સૂચનોને પગલે હાથ ધરાયેલી આ પહેલ છે. નવ મીટરથી મોટા તમામ રસ્તાની બન્ને બાજુએ ફુટપાથ બનાવાશે. હાલની ફુટપાથની સપાટી સમતળ ન હોય એવી જગ્યાનું પણ રિપેરિંગ કરાશે.’

જોકે સારી ફુટપાથ આપવાની કૉર્પોરેશનની આ ખાતરી નવી નથી. દર વર્ષે કૉર્પોરેશન ફુટપાથ પાછળ ૧૦૦થી ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ મોટા ભાગની ફુટપાથ સમતળ નથી અને ત્યાં ફેરિયાઓની સમસ્યા અકબંધ છે.

ફુટપાથ પરથી ફેરિયાઓને દૂર કરવા સુધરાઈ શું કરી રહી છે? એવો સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘ફેરિયાઓ માટે પૉલિસી તૈયાર થઈ રહી છે. શહેરમાં ૧૧,૦૦૦ ફેરિયા લાઇસન્સ ધરાવે છે. અન્યોને લાઇસન્સ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, પણ એ માટે ફેરિયાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની વેન્ડર્સ કમિટી હોવી જરૂરી છે. લેબર કમિશનર ચૂંટણી યોજશે, એ પછી દરેક વૉર્ડના સભ્યોમાંથી સમિતિ રચાશે. આ સમિતિ બીજાં લા​ઇસન્સ જારી કરવા વિશે નિર્ણય લેશે.’

ફક્ત લાઇસન્સ ધરાવનારા ફેરિયાઓને જ નિર્દિષ્ટ ઝોનમાં ધંધો કરવા માટેની છૂટ મળે એ સુનિશ્ચિત કરતી ફેરિયાઓ માટેની નીતિનો મુદ્દો ઘણા સમયથી પડતર છે, પણ એના પર નક્કર કામ થયું નથી.

9
આનાથી વધુ પહોળાઈ (મીટરમાં) ધરાવતા રસ્તાની બન્ને બાજુએ ફુટપાથ બનાવાશે

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale