વિલે પાર્લેની સ્કૂલનાં પ્રિન્સિપાલના શતાબ્દી-પર્વની અનોખી ઉજવણી કરી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ

12 August, 2024 10:57 AM IST  |  Mumbai | Rohit Parikh

ઇન્દુબહેન પટેલ ૯૯ વર્ષ પૂરાં કરીને સોમા વર્ષમાં પ્રવેશ્યાં એના સેલિબ્રેશનમાં ‘તોફાની’ પરેશ રાવલ પણ આવ્યા

ઇન્દુબહેન અને તેમનાં વિદ્યાર્થીઓ

આજના યુગમાં મધર્સ ડે, ફાધર્સ ડે, ટીચર્સ ડેની ઉજવણી સામાન્ય બની ગઈ છે. જોકે વિલે પાર્લેની નવા સમાજ મંડળ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગયા અઠવાડિયે ગુરુવારે તેમની સ્કૂલનાં પ્રિન્સિપાલ ઇન્દુબહેન પટેલની ૯૯મી વર્ષગાંઠની, ૧૦૦મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરીને એક નવો ચીલો ચાતર્યો હતો. ઇન્દુબહેનના ઘરમાં જ તેમના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયેલા આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી બધાને રિટર્ન ગિફ્ટમાં ઇન્દુબહેનનો સ્કૂલ સાથેના ફોટોવાળો મગ અને સ્ટે બ્લેસ્ડ ઍન્ડ બી હૅપી ઇન્દુબહેન લખેલી કલમ આપી હતી.

આ સ્કૂલના ૧૯૭૩ના બૅચનાં વિદ્યાર્થિની અલકા દેસાઈ શર્મા ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે આઠ મહિના પહેલાં જ ઇન્દુબહેનના શતાબ્દી-પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉજવણી માટે પરિવારજનો, સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો, કર્મચારીઓ અને ૧૯૬૬ના મેટ્રિકના પ્રથમ બૅચથી લગભગ ૨૦૧૫ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક છત્ર હેઠળ ભેગા થયા હતા. અમે ઇન્દુબહેનના ઘરે જતા અને ત્યાં જઈને તેમની સાથે બેસતા, વાતો કરતા અને ફોટો પાડીને સંસ્મરણો જમા કરતા હતા અને એને સર્ક્યુલેટ કરતા હતા. ત્યાર પછી અમે અલગ-અલગ પ્રકારનાં કૅલેન્ડર બહાર પાડ્યાં હતાં. એક કૅલેન્ડરમાં સ્કૂલના જૂના ફોટો, બીજા કૅલેન્ડરમાં ઇન્દુબહેનના જૂના ફોટો અને ત્રીજા કૅલેન્ડરમાં વિદ્યાર્થીઓ સાથેના ફોટો અને તેમના વિશેના વિચારો. ત્યાર પછી તેમના વિશે પુસ્તકો બનાવ્યાં હતાં, જેમાં સૌએ ઇન્દુબહેન માટેના પોતાના લેખ અને વિચારો પ્રગટ કર્યા હતા.’

ઇન્દુબહેનની શ્રવણશક્તિ નબળી પડી ગઈ છે, પણ આંખો સારી છે. તેઓ બધાને જોઈ શકે છે અને ઓળખી શકે છે એમ જણાવતાં અલકા શર્મા કહે છે, ‘બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ઉજવણી માટે જબરી ઉત્કંઠા હતી. ઉજવણી ક્યાં કરવી એને માટે અમે દ્વિધામાં હતાં. તેઓ બહાર આવશે, સ્કૂલમાં આવશે, ઘરેથી નીચે ઊતરશે કે નહીં એવી અમારી દ્વિધાને ઇન્દુબહેને હું ઘરની બહાર નીકળીશ નહીં એમ કહીને દૂર કરી દીધી હતી અને એટલે જ અમે ઇન્દુબહેનના વિલે પાર્લેના ઘરે જ મળ્યા હતા.’

આ પ્રસંગે અભિનેતા પરેશ રાવલ જેવા ઇન્દુબહેનના બધા લાડકા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. પરેશ રાવલ અમારી સ્કૂલના સૌથી તોફાની વિદ્યાર્થી હતા એમ જણાવતાં અલકા શર્મા કહે છે, ‘ઇન્દુબહેનના શબ્દોમાં કહીએ તો પરેશ રાવલ રોજ સ્કૂલમાં તેમની ઑફિસની બહાર હોય. ઇન્દુબહેનની વિશેષતા હતી કે તેઓ હંમેશાં વિદ્યાર્થીઓને તમે કહીને બોલાવતાં. જેવા પરેશ રાવલને ઑફિસની બહાર જુએ એટલે ઇન્દુબહેન તેમને પૂછતાં, કેમ અહીં ઊભા છો? ક્લાસમાંથી કાઢી મૂક્યા છે? તેમની સામે પરેશ રાવલ નાટકીય ઢબે જવાબ આપતા કે મને શું ખબર. પરેશ રાવલ હંમેશાં ઇન્દુબહેનના જન્મદિવસે શુભેચ્છા આપવા જાય છે. એ જ રીતે શતાબ્દી-પર્વમાં પણ હાજર રહ્યા હતા.’

mumbai news mumbai vile parle gujarati medium school gujaratis of mumbai gujarati community news paresh rawal