09 February, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘઉં
કેન્દ્ર સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ગઈ કાલથી ઘઉંની સ્ટૉકમર્યાદામાં ઘટાડો લાગુ કર્યો હતો. સરકારના આ પગલાથી નવી મુંબઈની વાશીમાં આવેલી એપીએમસી માર્કેટની દાણાબજારના અનાજના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે. દાણાબજારના વેપારીઓએ સરકાર દ્વારા અચાનક લાદવામાં આવેલી સ્ટૉકલિમિટને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વેપારીઓ કહે છે કે હાલમાં ઘઉંના માલની કોઈ અછત નથી. નવા માલની શરૂઆત થઈ ગઈ છે છતાં સરકારે સ્ટૉકલિમિટ લગાડી છે એને કારણે સમગ્ર દેશના અનાજના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. હાલમાં સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં ઘઉંની આ સ્ટૉકલિમિટ વેપારીઓ માટે હિતાવહ નથી.
સરકારની શું જાહેરાત છે?
ગઈ કાલે મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશને જાહેર કર્યું હતું કે સમગ્ર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે કેન્દ્ર સરકારે હોલસેલ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને અન્ય મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરો પર ઘઉંની સ્ટૉકમર્યાદા લાદી છે.
મળતી માહિતી પ્રમાણે ઘઉંના ભાવને સાધારણ કરવાના સતત પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર સરકારે હવે ઘઉંના સ્ટૉકની મર્યાદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. એ મુજબ હોલસેલ વેપારીઓની સ્ટૉકમર્યાદા ૧૦૦૦ ટનથી ઘટાડીને ૫૦૦ ટન કરવામાં આવી છે. પ્રોસેસરોના દરેક આઉટલેટ માટે પાંચ ટન અને અને તેમના તમામ ડેપો પર ૧૦૦૦ ટનથી ઘટાડીને દરેક આઉટલેટ માટે પાંચ ટન અને તેમના તમામ ડેપો પર ૫૦૦ ટન કરવામાં આવી છે. રીટેલર્સ માટે તેમના દરેક રીટેલ આઉટલેટ માટે પાંચ ટન યથાવત્ રાખવામાં આવી છે. બિગ ચેઇન રીટેલર્સના દરેક આઉટલેટ માટે પાંચ ટન અને તેમના તમામ ડેપો પર ૧૦૦૦ ટનથી સુધારીને દરેક આઉટલેટ માટે પાંચ ટન અને તેમના તમામ ડેપો પર ૫૦૦ ટન કરવામાં આવી છે. આ સ્ટૉકમર્યાદા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી લાગુ રહેશે.
અમલ ન કરનારાઓ પર કાયદાકીય પગલાં
ઘઉંનો સંગ્રહ કરતી તમામ સંસ્થાઓએ ઘઉંના સ્ટૉકલિમિટ પોર્ટલ પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટૉકની સ્થિતિ અપડેટ કરવી જરૂરી છે. કોઈ પણ એન્ટિટી જે પોર્ટલ પર નોંધાયેલી નથી અથવા સ્ટૉકમર્યાદાનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું છે તે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ની કલમ છ અને સાત હેઠળ યોગ્ય શિક્ષાત્મક પગલાંને પાત્ર રહેશે. જો ઉપરોક્ત સંસ્થાઓ પાસેનો સ્ટૉક ઉપરોક્ત નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય તો તેમણે સૂચના જારી થયાના ૩૦ દિવસની અંદર નિર્ધારિત સ્ટૉક મર્યાદામાં લાવવાનો રહેશે. દેશમાં ઘઉંની કૃત્રિમ અછત સર્જાય નહીં એની ખાતરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ આ સ્ટૉકમર્યાદાના અમલીકરણ પર નજીકથી નજર રાખશે.
અનાજના વેપારીઓ નારાજ
સરકારના આ પગલાને સખત શબ્દોમાં વખોડી નાખતાં ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારનો આ નિયમ હોલસેલરો, રીટેલરો, મિલો અને આયાતકારોને બંધનકર્તા રહેશે, જેની સામે અમારી માર્કેટના અનાજના સર્વે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં ઘઉંના માલની કોઈ અછત નથી અને નવા માલની શરૂઆત થઈ ગઈ છે છતાં સરકારે સ્ટૉકલિમિટ લગાડી છે જેને કારણે સમગ્ર દેશના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. જો ભાવવધારો થયો હોય અને સરકાર કાયદો લગાડે તો એને સમજી શકાય, પરંતુ હાલમાં ઘઉંના ભાવ સ્થિર છે. આ કાયદાને કારણે ઇન્સ્પેકટર રાજ વધશે જેથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને વેપારીઓની હેરાનગતિ વધશે. હજી થોડા સમય પહેલાં જ ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે સ્ટૉકલિમિટ લગાવી હતી, પણ હવે એમાં ઘટાડો કરીને આવા માલની સીઝનના સમયમાં વેપારીઓની હેરાનગતિ વધારી રહી છે. આ સ્ટૉકલિમિટને કારણે તાત્કાલિક ધોરણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ હાલમાં સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં ઘઉંની આ સ્ટૉકલિમિટ વેપારીઓ માટે
હિતાવહ નથી.’