24 February, 2023 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
મુંબઈ : એનસીપીના ચીફ શરદ પવારના પવાર સ્પીક્સ નામના કાર્યક્રમમાં શરદ પવારની હાજરીમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવકે બોગસ મતદાન કરવા માટે મૃત્યુ પામેલા મુસ્લિમોને પણ હાજર કરવાની અપીલ કરતા હોય એવો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડિયોમાં પુણેની કસબાપેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ૨૬ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન માટે મતદારોને દુબઈ અને સાઉદી અરેબિયાથી લાવીને ૧૦૦ ટકા મતદાન કરવા માટે યુવાનોને આગળ વધવાનું ભૂતપૂર્વ નગરસેવક કહે છે.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક ઉસ્માન હિરોલીએ એક તરફ તો મુસ્લિમ સમાજના યુવાનોને મૃત્યુ પામેલા મતદારોનું બોગસ મતદાન કરાવવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે મોદી અને આરએસએસને હરાવવા માટે દુબઈ અને સાઉદી અરેબિયાથી લોકોને લાવીને મતદાન કરવાનું કહ્યું હતું.
આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યે અને બીજેપી મહિલા નેતા ચિત્રા વાઘે આ વિડિયો રીટ્વીટ કર્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે ‘એનસીપીની સભામાં શરદ પવારની હાજરીમાં ડાયરેક્ટ મુસ્લિમોને આહવાન કરવામાં આવે છે અને દુબઈ અને સાઉદી અરેબિયાથી મતદારોને અહીં લાવીને મતદાન કરવાનો મતલબ એ છે કે રાજ્યમાં એનસીપીની હાલત કફોડી છે. આ એક પ્રકારે જેહાદ જ છે.’