25 August, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરમાં શિવસેના ભવનની બહાર ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકરો.
બદલાપુરની બાળકીઓના શારીરિક શોષણની ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડીએ શનિવારે બંધની જાહેરાત કરી હતી, પરંતુ બૉમ્બે હાઈ કોર્ટે બંધના એલાનની હવા કાઢી નાખ્યા બાદ ગઈ કાલે મુંબઈ સહિત રાજ્યભરમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉન્ગ્રેસના નેતાઓની સાથે કાર્યકરોએ મોં પર કાળી પટ્ટી કે માસ્ક પહેરીને અનેક જગ્યાએ વિરોધ દર્શાવ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દાદરમાં આવેલા શિવસેનાભવનની બહાર સવારના ૧૧ વાગ્યે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ સામે રાજ્ય સરકાર પગલાં નથી લઈ રહી એ બરાબર નથી. કોર્ટે અમારા બંધને અટકાવ્યો છે, પણ અમારો અવાજ બંધ નહીં કરાવી શકે.’
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પુણેમાં વિરોધ-પ્રદર્શન કરતી વખતે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર મહારાષ્ટ્રની મહિલાઓની સલામતીને અવગણી રહી છે. હું મહિલાઓની સલામતીના શપથ લઉં છું.’ મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પણ મુંબઈ સહિત રાજ્યભરમાં આંદોલન કર્યું હતું.
BJPએ કર્યું પ્રતિ આંદોલન
વિરોધ પક્ષોએ સરકાર સામે આંદોલન કરવા સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના આશિષ શેલાર, ચિત્રા વાઘ, પ્રવીણ દરેકર સહિતના નેતાઓએ મુંબઈ અને થાણે સહિત રાજ્યનાં જુદાં-જુદાં સ્થળોએ પ્રતિ-આંદોલન કર્યું હતું. તેમણે મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે વિરોધીઓ રાજકારણ કરી રહ્યા હોવાનો આરોપ કરીને તેમનો નિષેધ કર્યો હતો. મહા વિકાસ આઘાડીની સરકાર વખતે રાજ્યમાં અનેક મહિલાઓ પર પણ બળાત્કાર થયા હતા એ વિશે બોલો એવાં પ્લૅકાર્ડ્સ સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં સામેલ થઈ હતી.