બદલાપુરની ઘટના બાદ રાજ્ય સરકાર ઍક્શનમાં

23 August, 2024 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની તમામ સ્કૂલોને CCTV કૅમેરા લગાડવાનો અને સ્ટાફના સઘન ચેકિંગનો પણ આપ્યો આદેશ

બદલાપુરની એ સ્કૂલ જ્યાં બાળકીઓ સાથે દુષ્કર્મ થયું.

બદલાપુરમાં બે બાળકીના વિનયભંગની ઘટના બાદ રાજ્ય સરકાર ઍક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં એક મહિનાની અંદર સ્કૂલની અંદર અને પરિસરમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવા, સ્ટાફની નિયુક્તિ કરતી વખતે સઘન બૅકગ્રાઉન્ડ ચેક કરવું, સ્ટુડન્ટ્સ માટે સ્કૂલમાં લેટર-બૉક્સ મૂકવું, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કમિટી બનાવવી વગેરે આદેશ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સ્કૂલોએ નવા દિશા-નિર્દેશનું પાલન કરવું પડશે અને જો પાલન નહીં કરવામાં આવે તો ફન્ડ રોકવાની સાથે સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવા જેવી કાર્યવાહી થઈ શકે છે. સરકારી સ્કૂલોને આપવામાં આવતા ફન્ડમાંથી પાંચ ટકા રકમનો ઉપયોગ CCTV કૅમેરાનું નેટવર્ક ઊભું કરવા માટે કરી શકાશે. એક મહિનાની અંદર CCTV નેટવર્ક તૈયાર થઈ ગયા બાદ અઠવાડિયામાં ત્રણ વખત ફુટેજ ચેક કરવાનું રહેશે. ફુટેજમાં કોઈ શંકાસ્પદ બાબત જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની જવાબદારી પ્રિન્સિપાલની રહેશે.

સરકારના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘સ્કૂલના સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ-સ્ટેશનને આપવી. નવા સ્ટાફને કામ પર રાખતાં પહેલાં તેની સઘન તપાસ કરવામાં આવે. સ્કૂલમાં એક લેટર-બૉક્સ રાખવામાં આવે જેથી વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલી હોય તો સ્કૂલના મૅનેજમેન્ટને જાણ કરી શકે.’ આ ઉપરાંત દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક કમિટી બનાવવાનું આદેશમાં કહેવામાં આવ્યું છે. આ કમિટી દર ત્રણ મહિને બેઠક કરીને સ્કૂલની સલામતીની સમીક્ષા કરશે. આ સમીક્ષાનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવાનો રહેશે.

SITએ પીડિત બાળકીઓ, વાલી અને આરોપીનાં નિવેદન નોંધ્યાં

બદલાપુરની ઘટનામાં રાજ્ય સરકારે ઇન્ડિયન પોલીસ સર્વિસિસ (IPS) ઑફિસર આરતી સિંહની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપના કરી છે. SITએ ગઈ કાલે વિનયભંગની પીડિત બે બાળકી, તેમના વાલી અને આરોપી અક્ષય શિંદેનાં નિવેદન નોંધ્યાં હતાં. એક બાળકીની માતાએ કહ્યું હતું કે તેને આ મામલે થઈ રહેલી તપાસ બાબતે કોઈ ફરિયાદ નથી.

mumbai news mumbai sexual crime Protection of Children from Sexual Offences Act POCSO badlapur maharashtra news