09 December, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)માંથી ચૂંટાઈ આવેલા ઉત્તમ જાનકર ગઈ કાલે વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ લેવા માટે નહોતા પહોંચ્યા. તેઓ ગઈ કાલે સોલાપુરમાં આવેલા મારકડવાડી ગામમાં જ હતા. અહીં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘મારી શપથવિધિ કરતાં મારકડવાડીની લડાઈ મહત્ત્વની છે. લોકશાહી સામે મારું વિધાનસભ્યનું પદ કંઈ નથી. આથી કેન્દ્રીય ઇલેક્શન કમિશનને કહ્યું છે કે એક પેટાચૂંટણી બૅલટ પેપર પર કરાવો. હું કહેવા ખાતર નથી બોલતો, હું ખરેખર રાજીનામું આપવા તૈયાર છું.’
જોકે તેમની આ જાહેરાત બાદ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું કે ઉત્તમ જાનકાર મારી પરવાનગી સિવાય રાજીનામું નહીં આપે. ઉત્તમ જાનકરની રાજીનામું આપવાની વાત વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સામે શંકા કરીને મહા વિકાસ આઘાડીના નેતાઓ હળાહળ ખોટું બોલીને લોકોને ભરમાવી રહ્યા છે. આ નેતાઓ પણ EVMથી ચૂંટાઈ આવ્યા છે. ઉત્તમ જાનકર જ નહીં, મહા વિકાસ આઘાડીના તમામ વિધાનસભ્યોએ રાજીનામાં આપવાં જોઈએ.’