24 June, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરલાબહેન અને પ્રકાશ ગાંધી તેમ જ મ્હાડાના કૉન્ટ્રૅક્ટર સાથે ગઈ કાલે ચર્ચા કરી રહેલા મંગલ પ્રભાત લોઢા.
દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદરમાં આવેલી ચકલા સ્ટ્રીટના કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે ગયા સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં બધો જ સામાન સળગી જવાની સાથે ઘર રહેવાલાયક રહ્યું નહોતું. આથી ચાર જૈન સિનિયર સિટિઝન બેઘર બની ગયા છે. ગઈ કાલે આગને લીધે સળગી ગયેલા ચોથા માળ પર તોડકામ કરવા મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)ના અધિકારી અને કૉન્ટ્રૅક્ટરો પહોંચી ગયા હતા અને આ આખો ફ્લોર રહેવાલાયક ન હોવાનું કહીને એને તોડવાની તૈયારી કરતા હતા એટલી વારમાં મલબાર હિલના વિધાનસભ્ય અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢા ત્યાં પહોંચી ગયા હતા. તેમણે આ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવાનો આગ્રહ રાખતાં મ્હાડાના રિપેર બોર્ડના અધિકારીઓ છેલ્લે ચોથા માળના આગને લીધે જોખમી બની ગયેલા ભાગને તોડ્યા બાદ નવેસરથી એને બનાવવાની પરવાનગી આપવા તૈયાર થયા હતા.
૧૭ જૂને ચકલા સ્ટ્રીટમાં આવેલા કૃષ્ણકુંજ બિલ્ડિંગના ચોથા માળે લાગેલી આગમાં એક સમયના જૈન અગ્રણી અને ઝવેરી હરખચંદ ગાંધીનાં સંતાનો બિપિનભાઈ, સરલાબહેન, પ્રકાશભાઈ અને પુત્રવધૂ તરુણાબહેન જ્યાં રહેતાં હતાં એ આખો માળ સળગી જતાં બેઘર બની ગયાં છે. આગ લાગ્યા બાદ મ્હાડાએ આગને લીધે જોખમી બની ગયેલા ભાગને બદલે આખો ચોથો માળ તોડી નાખવાની નોટિસ ગાંધી પરિવારને મોકલી હતી. જોકે આગમાં માત્ર છતના ભાગને જ નુકસાન થયું હતું એટલે આખા માળને તોડવાને બદલે રિપેર કરવાની જરૂર હોવાનું પરિવારને લાગતાં તેમણે પોતાનું ઘર બચાવવા માટે મલબાર હિલના વિધાનસભ્ય અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢાની મદદ માગી હતી.
મંગલ પ્રભાત લોઢા ગઈ કાલે ચકલા સ્ટ્રીટ તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. તેમણે કૃષ્ણકુંજ બિલ્ડિંગનો ચોથો માળ તોડવા આવેલા મ્હાડાના રિપેર બોર્ડના અધિકારી અને કૉન્ટ્રૅક્ટર સાથે ચર્ચા કરીને તોડકામની કાર્યવાહી અટકાવી હતી અને આજે મંત્રાલયમાં આ સંબંધે મ્હાડાના અધિકારીઓની બેઠક બોલાવી છે.
પ્રકાશ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગને લીધે ચોથા માળે માત્ર છતને નુકસાન થયું છે, જ્યારે દીવાલ અને સ્લૅબ સહિતનું બાંધકામ મજબૂત છે. આમ છતાં મ્હાડાના રિપેર બોર્ડે આખેઆખો માળ તોડી પાડવા માટે નોટિસ મોકલી હતી અને તેમનો કૉન્ટ્રૅક્ટર કાર્યવાહી કરવાની તૈયારીમાં હતો. મંગલ પ્રભાત લોઢાએ અમને કહ્યું છે કે અમારું ઘર તોડી પાડવાને બદલે રિપેર કરવામાં આવશે. ‘મિડ-ડે’માં આગ બાબતે સમાચાર છપાયા બાદ અનેક જૈન અગ્રણીઓ અને સંસ્થાઓ મદદ કરવા આગળ આવ્યાં છે. આથી અમારી અત્યારે રહેવાની અને જમવાની મુશ્કેલી દૂર થઈ છે. આવી જ રીતે ઘર રિપેર થઈ જવાની પણ આશા છે અને અમે બધા ફરી અહીં રહી શકીશું.’
મંગલ પ્રભાત લોઢાએ આ વિશે કહ્યું હતું કે ‘હરખચંદ ગાંધીના પરિવારને તેમનું મકાન રિપેર કરીને સુરક્ષિત પાછું આપવાના તમામ પ્રયાસ કરવામાં આવશે. મ્હાડાના ફન્ડ અને જરૂર પડે તો સામાજિક સહાય સાથે ફરી આ ઘર રહેવાલાયક બનાવવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે મૂળ મહુવાના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન હરખચંદ ગાંધી ઝવેરી હતા. તેમણે જૈન ધર્મ અને સમાજ માટે ઘણી સેવા કરી હતી. તેમનાં સંતાનો કૃષ્ણકુંજમાં રહે છે એ આગમાં સળખી જતાં તેઓ બેઘર બની ગયાં છે. આ બનાવની જાણ થતાં જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.