અલીગઢના કારીગરે જમીન વેચીને રામમંદિર માટે બનાવ્યું તોતિંગ ૪૦૦ કિલોનું તાળું

07 August, 2023 10:33 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

જોકે એના ફિનિશિંગ માટે તેને બીજા નેવું હજાર રૂપિયાની જરૂર છે અને જો એ નહીં મળે તો સત્ય પ્રકાશ શર્મા પોતાની બીજી જમીન પણ વેચી નાખશે

અલીગઢના સત્ય પ્રકાશ શર્મા અને તેમનાં પત્ની રુક્મિણી ૪૦૦ કિલો વજનના તાળા અને ૩૦ કિલો વજનની ચાવી સાથે.

અયોધ્યામાં ભગવાન રામનું દુનિયાનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે અને જાન્યુઆરી મહિનામાં આ મંદિરનું લોકાર્પણ થવાની તૈયારી ચાલી રહી છે ત્યારે તાળાં બનાવવા માટે પ્રખ્યાત અલીગઢના એક ગરીબ કારીગરે ૧૦ ફીટ ઊંચું અને ૬ ફીટ પહોળું ૪૦૦ કિલો વજનનું એક તોતિંગ તાળું મંદિરને અર્પણ કરવા માટે બનાવ્યું છે. પોતાની આગામી પેઢી તાળાં બનાવવાનું કામ નથી કરતી અને દાદાની ઇચ્છા એક વિશેષ તાળું બનાવીને સમાજને સમર્પિત કરવાની હતી એને ધ્યાનમાં રાખીને જમીનનો ટુકડો વેચીને ૧.૯૨ લાખ રૂપિયાના ખર્ચે તાળું બનાવવામાં આવ્યું છે. ૮૦થી ૯૦ હજાર રૂપિયા નથી એટલે તાળાનું ફિનિશિંગ કામ બાકી રહી ગયું છે. રૂપિયાની વ્યવસ્થા નહીં થાય તો બાકીની જમીન પણ વેચીને તાળું મંદિરને સોંપવાનો નિર્ધાર ગરીબ કારીગરે કર્યો છે.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણનું કામ પૂરું થવામાં છે ત્યારે તાળાં બનાવવા માટે પ્રખ્યાત ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં રહેતા સત્ય પ્રકાશ શર્મા નામના કારીગરે ૪૦૦ કિલો વજનનું તોતિંગ તાળું બનાવ્યું છે. આ તાળાને તાજેતરમાં અલીગઢમાં કૃષિની પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા બાદ ખૂબ ચર્ચામાં આવી ગયું છે.

તાળાની વિશેષતા
૪૦૦ કિલો વજનના તાળાની ઊંચાઈ ૧૦ ફીટ છે, પહોળાઈ ૪.૬ ફીટ અને જાડાઈ ૯.૫ ઇંચ છે. જાતમહેનતથી કારીગરે તાળું બનાવ્યું હોવાથી એને બનાવવામાં એક વર્ષ લાગ્યું છે અને ૧.૯૨ લાખ રૂપિયાનો ખર્ચ અત્યાર સુધી આવ્યો છે.

દાદાની ઇચ્છા પૂરી કરી
પાંચથી સાત લોકો સાથે મળે ત્યારે જ ઊંચકી શકાતું તોતિંગ તાળું બનાવનારા અલીગઢના કારીગર સત્ય પ્રકાશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાપદાદાના સમયથી અમે તાળાં બનાવીએ છીએ. દાદાની ઇચ્છા હતી કે એક એવું તાળું બનાવીએ જે જોઈને બધા ચોંકી ઊઠે. જ્યારે પણ આવું તાળું બને ત્યારે એનું વેચાણ કરવાને બદલે એ સંસ્થા કે મંદિરને અર્પણ કરવામાં આવે એમ દાદા ઇચ્છતા હતા. હવે પછીની પેઢી તાળાં બનાવતી નથી. આથી મારા ગયા બાદ કોઈ તાળાં નહીં બનાવે એ નક્કી છે એટલે મેં દાદાની ઇચ્છા મુજબ એક વર્ષ પહેલાં દુનિયાનું સૌથી મોટું તાળું બનાવવાની શરૂઆત કરી હતી.’

જમીનનો ટુકડો વેચ્યો 
સત્ય પ્રકાશ શર્મા ગરીબ કારીગર છે. તેમની પાસે તાળું બનાવવા માટે જરૂરી ૪૦૦ કિલો લોખંડ અને બીજી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયાની વ્યવસ્થા નહોતી. આ વિશે સત્ય પ્રકાશ શર્માએ કહ્યું હતું કે ‘અમે નાનો-મોટો ધંધો કરીએ છીએ એટલે બચત ખાસ કંઈ ન હોય. જોકે મેં તાળું બનાવવાનો નિર્ણય કરી લીધો હતો એટલે જમીનનો એક ટુકડો વેચીને એમાંથી મળેલા રૂપિયાથી તાળું બનાવવાનું શરૂ કરી દીધું હતું. એક વર્ષમાં ૧.૯૨ લાખ રૂપિયાના ખર્ચે એક તાળું અને એની ૪ ફીટ ઊંચાઈની ૩૦ કિલોની એક એવી બે ચાવી બનાવી છે. હજી થોડું કામ બાકી છે, પણ એના માટે ૮૦થી ૯૦ હજાર રૂપિયા નથી એટલે કામ અટકી ગયું છે. આર્થિક મદદ મળે તો ઠીક, નહીં તો બાકીની જમીન પણ વેચીને તાળું પૂરું કરીશ.’

રામમંદિરને અર્પણ કરાશે
અયોધ્યામાં બની રહેલા રામમંદિરના સંચાલકોને ૪૦૦ કિલો વજનનું તાળું અર્પણ કરવામાં આવશે. આ વિશે સત્ય પ્રકાશ શર્માના પુત્ર મહેશચંદ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તાળું રામમંદિરને સમર્પિત કરીશું. જોકે આ તાળું કોઈ દરવાજાને લગાવી શકવું મુશ્કેલ છે એટલે મંદિરની આર્ટ ગૅલરીમાં મૂકવામાં આવશે. મંદિરના દરવાજાઓ માટે અમે ૬થી ૮ ઇંચનાં સ્ટેનલેસ સ્ટીલનાં કેટલાંક તાળાં બનાવી રહ્યાં છીએ. મંદિરના સંચાલકો સાથે આ બાબતે વાત થઈ ગઈ છે.’

દિલ્હી અને યુપી સરકાર માટે પણ તાળાં બનાવશે
રામમંદિરને તાળું અર્પણ કર્યા બાદ ઉત્તર પ્રદેશ સરકાર અને દિલ્હીની સરકાર માટે ૪૦૦થી ૮૦૦ કિલો વજનનાં બે તાળાં બનાવીને આપવાની ઇચ્છા સત્ય પ્રકાશ શર્મા અને તેમનો પરિવાર ધરાવે છે. અત્યારે તૈયાર કરેલું તાળું ડિસેમ્બર મહિનામાં રામમંદિરમાં પહોંચાડી દેવાશે.

તાળાને વધુ મજબૂત બનાવાશે
સત્ય પ્રકાશ શર્માએ કહ્યું હતું કે ‘અત્યારે જે તાળું બનાવ્યું છે એ લોખંડનું છે. રામના ભવ્ય મંદિરમાં આવું તાળું ન મૂકી શકાય. આથી આ તાળાની ઉપર સ્ટીલનું લેયર ચડાવાશે. તાળાની અંદર પિત્તળના લીવર સહિતની વસ્તુઓ લગાડવામાં આવશે. પિત્તળને વર્ષો સુધી કાટ નથી લાગતો. આથી આ તાળું વર્ષો સુધી મંદિરની અંદર સચવાઈ રહેશે. તાળાના બાકીના કામ માટે ૮૦થી ૯૦ હજાર રૂપિયાની જરૂર છે.’

1.92
તાળું બનાવવા માટે અત્યાર સુધી આટલા લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

ayodhya ram mandir aligarh maharashtra news maharashtra mumbai mumbai news prakash bambhrolia