27 September, 2024 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય શિંદે
બદલાપુરમાં બે બાળકીઓ પરના જાતીય અત્યાચારના કેસના આરોપી અક્ષય શિંદેનું વિવાદાસ્પદ એન્કાઉન્ટર થયા બાદ હવે તેના પિતાએ તેમના પરિવાર અને તેમના વકીલને પોલીસ-સંરક્ષણ પૂરું પાડવામાં આવે એવી માગણી કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કરી છે.
અક્ષયના પિતા અણ્ણા શિંદેએ અને તેમના વકીલ અમિત કટારનવરેએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. બીજું, અક્ષય શિંદેના મૃતદેહને પરિવારે તેઓ વણજારા સમાજના હોવાથી અગ્નિદાહ ન આપતાં દફનાવવાનો નિર્ણય લીધો છે. એ માટે તેમણે બદલાપુર પોલીસ સાથે પણ સલાહ-મસલત કરી હતી અને પોલીસને જ યોગ્ય જગ્યા શોધી આપવા જણાવ્યું હતું. બદલાપુરમાં તેની સામે વિરોધ થયો હોવાથી કેટલીક જગ્યાએ દફનાવવાનો વિરોધ થઈ રહ્યો હતો એથી તેમણે સિવિક ઑથોરિટી પાસે અક્ષયને દફનાવવા જગ્યા બતાવવા કહ્યું હતું. બે–ત્રણ જગ્યાએ લઈ જઈને એ જગ્યા બતાવાઈ હતી છતાં ગઈ કાલે તેની દફનવિધિ થઈ શકી નહોતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર હવે જ્યારે તેનું એન્કાઉન્ટર શંકાસ્પદ છે અને એની તપાસ ચાલી રહી છે ત્યારે બહુ જરૂરી જણાય તો તેનો મૃતદેહ પાછો કાઢીને તપાસ થઈ શકે એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અક્ષય શિંદેના પિતા અણ્ણા શિંદે દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવાયું છે કે અક્ષયની હત્યા થઈ હોવાનું લાગી રહ્યું છે એટલે એની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમવામાં આવે અને હાઈ કોર્ટ એના કામ પર નજર રાખે, આ સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કરીને એ હત્યાનું કાવતરું ઘડી કાઢવામાં સંકળાયેલા ઑફિસરો સામે ગુનો નોંધવામાં આવે એટલું જ નહીં; તેને તળોજા જેલથી લઈ જવાયો ત્યાર બાદના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સાચવી રાખવામાં આવે.
વકીલ અમિત કટારનવરેએ વધુમાં કહ્યું હતું કે ‘જે રીતે કિરીટ સોમૈયાને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે એ રીતે અક્ષયનાં મમ્મી-પપ્પાને પણ સંરક્ષણ પૂરું પાડવામાં આવે, કારણ કે તેમના પર પણ આ પહેલાં હુમલો થયો છે અને તેમને જીવનું જોખમ છે એટલે તેમણે સંરક્ષણ માગ્યું છે. અક્ષય શિંદેએ ખરેખર શું કર્યું હતું? ચાર્જશીટ સામે આવી નથી. એ સિવાય સ્કૂલના પદાધિકારીઓ સામે પણ ગુનો નોંધાયો છે, પણ એ લોકો નાસતા ફરી રહ્યા છે અને પોલીસને નથી મળી રહ્યા એ પણ સરકારની નિષ્ફળતા છે.’