દીકરા આકાશની કઈ વાત જાણવા માટે પત્ની શ્લોકાને મુકેશ અંબાણીએ સાથે મોકલી?

29 December, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સના કર્મચારીઓએ એઆઇ પરિવર્તનમાં ઝડપ લાવવી જોઈએ

મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી

ભારતની સૌથી શ્રીમંત અંબાણી ફૅમિલીની થર્ડ જનરેશન પણ હવે બિઝનેસમાં એકદમ ઍક્ટિવ થઈ ગઈ છે. મુકેશ અંબાણીએ તેમની સખત મહેનત અને સચોટ નિર્ણયક્ષમતાથી રિલાયન્સના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો છે. બિઝેનસનું વિસ્તરણ હોય કે સોશ્યલ ઍક્ટિવિટી હોય, અંબાણી ફૅમિલી હંમેશાં ફોકસમાં હોય છે. જોકે આ વખતે એવી ઘટના બની છે કે મુકેશભાઈ પોતે પણ અચંબામાં મુકાઈ ગયા છે. વાસ્તવમાં બન્યું એવું કે મુકેશ અંબાણીના દીકરા અને રિલાયન્સ જિયોના ચૅરમૅન આકાશ અંબાણીને આઇઆઇટી-બૉમ્બેમાંથી સ્પીચ આપવા માટેનું આમંત્રણ મળ્યું હતું. આ ઇવેન્ટ દરમ્યાન આકાશ અંબાણીએ ઑડિયન્સને હળવી શૈલીમાં કહ્યું હતું કે ‘મને અહીં સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે એ વાતનો પપ્પા (મુકેશ અંબાણી)ને વિશ્વાસ જ નહોતો બેસતો.’

આકાશ અંબાણી પોતે એન્જિનિયર નથી છતાં આવી આદરણીય સંસ્થામાં વક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું એ બદલ તેણે આઇઆઇટી-બૉમ્બેનો આભાર વ્યક્ત કર્યો હતો. આકાશે સેન્સ ઑફ હ્યુમરનો પરચો આપતો હોય એમ ઇવેન્ટમાં અનેક મજેદાર વાતો શૅર કરી હતી. રમૂજી ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે ‘મારા પિતા મારી સૌથી મોટી પ્રેરણા અને હીરો છે અને તેઓ હંમેશાં ઇચ્છતા હતા કે હું એન્જિનિયર બનું. જોકે અહીં હું તમને જણાવી દઉં કે હું એન્જિનિયર નથી.’ આકાશે આ વાત કહેતાં ઑડિયન્સ હાસ્યથી ગુંજી ઊઠ્યું હતું.

પિતા મુકેશ અંબાણીને આ સંસ્થામાં આકાશને આમંત્રિત કરાયો છે એ વિશે અગાઉ અવિશ્વાસ હતો. એની વાત કરતાં આકાશે કહેલું, ‘આટલી મોટી એન્જિનિયરિંગ કૉલેજમાં આમંત્રિત થવું એ મારા માટે સન્માનની વાત છે. પપ્પાને પણ પહેલાં તો વિશ્વાસ નહોતો કે મને ખરેખર ઇન્વાઇટ કરવામાં આવ્યો છે. હું ખરેખર અહીં આવવાનો છું કે નહીં એ જાણવા માટે જ સ્તો મારા પપ્પાએ મારી પત્ની શ્લોકાને સાક્ષી તરીકે મોકલી છે!’ 

ભારતજીપીટીની તૈયારી

આકાશ અંબાણીએ ચેટજીપીટીની જેમ ભારતજીપીટી આવતા વર્ષે લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આઇઆઇટી મુંબઈ સાથે મળીને આ પ્રોજેક્ટ કરવામાં આવશે. ૨૦૧૪થી આઇઆઇટી મુંબઈ રિલાયન્સ જિયોની પાર્ટનર છે એટલે તેની સાથે આ પ્રોજેક્ટ કરાશે.

રિલાયન્સના કર્મચારીઓએ એઆઇ પરિવર્તનમાં ઝડપ લાવવી જોઈએ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે કંપનીના કર્મચારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બધા બિઝનેસમાં ૨૦૨૪માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે ડેટાનો ઉપયોગ કરવા માટે ઝડપ લાવવાની જરૂર છે. આપણે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં ક્વૉન્ટમ જમ્પ અને સક્ષમતા મેળવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા લાગુ કરવાથી કંપની શિક્ષા, સ્વાસ્થ્ય દેખભાળ, કૃષિ અને રોજગાર સર્જનમાં ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાનો ઉપાય લાવવામાં સક્ષમ બનશે.’

Akash Ambani mukesh ambani Shloka Mehta reliance jio mumbai mumbai news