19 August, 2024 12:15 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારમાં સામેલ હોવા છતાં ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની જન સન્માન યાત્રા જુન્નરમાં કાઢવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતાઓએ અજિત પવાર સામે કાળા વાવટાની સાથે BJPના ઝંડા ફરકાવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. યાત્રા જુન્નર તાલુકામાંથી ગઈ કાલે પસાર થઈ ત્યારે BJPનાં સ્થાનિક નેતા આશા બુચકે અને મહિલા કાર્યકરોએ અજિત પવારનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘જુન્નર પર્યટનનો તાલુકો હોવા છતાં અજિત પવાર આ તાલુકાની અવગણના કરી રહ્યા છે. સરકારમાં સામેલ છે ત્યારે અજિત પવારે શિવસેના અને BJPનું પણ સન્માન રાખવું જોઈએ, જે તેઓ નથી રાખી રહ્યા એટલે વિરોધ કરવામાં આવ્યો છે.’ એ પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા અમોલ મિટકરીએ આ વિરોધ બાબતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને દેવેન્દ્ર ફડણવીસે આ વિશે ખુલાસો કરવો જોઈએ એવી માગણી કરી હતી.