16 November, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર, અજિત પવાર
મીટિંગ ગૌતમ અદાણીના ઘરે નહોતી થઈ અને તેઓ એમાં હાજર પણ નહોતા : દેવેન્દ્ર ફડણવીસ. ગૌતમ અદાણી દિલ્હીની એ મીટિંગમાં નહોતા, મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું : અજિત પવાર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ૨૦૧૯માં થયેલી પરોઢની શપથવિધિને લઈને કરેલા ધડાકાને લઈને હવે શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.
૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સરકાર બનાવવા માટે દિલ્હીમાં થયેલી મીટિંગ વિશે મરાઠા નેતાએ ખુલાસો કર્યો હતો કે ‘૨૦૧૯માં BJP સાથે સત્તા સ્થાપવા માટે ગૌતમ અદાણીના ઘરે મીટિંગ થઈ હતી એ વખતે અદાણી પણ ઉપસ્થિત હતા, પણ તેમણે આ ચર્ચામાં ભાગ નહોતો લીધો. અમારી પાર્ટીના અનેક નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી હોવાથી તેઓ BJP સાથે જવાનું મારા પર દબાણ કરતા હતા, પણ મારો વિરોધ હતો. આમ છતાં BJPના નેતાઓનું શું કહેવું છે એ જાણવા માટે આ બેઠક રાખવામાં આવી હતી.’
જ્યારે દેવેન્દ્ર ફડણવીસે આ મીટિંગના સંદર્ભમાં કહ્યું હતું કે ‘અમારી સાથે સત્તા સ્થાપવા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે મીટિંગ કરી હતી, પણ એ ગૌતમ અદાણીના ઘરે નહોતી તેમ જ તેઓ આ મીટિંગમાં હાજર પણ નહોતા રહ્યા. આ મીટિંગમાં હું, અમિત શાહ, શરદ પવાર, પ્રફુલ પટેલ અને અજિત પવાર હતા. જ્યારે આખા પ્લાનને અમલમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે શરદ પવારે ચૂપચાપ પીછેહઠ કરી હતી. તેઓ ધોકો આપશે એવું અમને નહોતું લાગ્યું.’
અજિત પવારે એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં BJP સાથે સરકાર બનાવવા માટે દિલ્હીમાં કુલ પાંચ બેઠક થઈ હતી. એમાંની એક મીટિંગ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે થઈ હતી. એમાં હું, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, પ્રફુલ પટેલ, પવારસાહેબ (શરદ પવાર), ગૌતમ અદાણી હાજર હતા. આ વાત બધા જાણે છે, પણ એ વાત કાઢવાનો હવે કોઈ અર્થ નથી. આ શપથવિધિનો સંપૂર્ણ દોષ મારા પર નાખવામાં આવ્યો હતો અને એની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને મેં બીજા નેતાઓને બચાવ્યા પણ હતા.’
જોકે ગઈ કાલે તેમણે પણ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે ‘ગૌતમ અદાણી એ મીટિંગમાં નહોતા. મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું.’